ભાસ્કર એક્સક્લૂઝિવ:જામનગરમાં દિવાળી પર 30 કરોડની નવી નોટોની ડિમાન્ડ પૂરી નહીં થાય ! કારણ... બેંકોમાં 200 કરોડ પડ્યા છે

જામનગર2 મહિનો પહેલાલેખક: પારસ સાહોલિયા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરની બંને કરન્સી ચેસ્ટ બેંકમાં જૂની ચલણી નોટનો ભરાવો અને મસમોટી બેલેન્સના કારણે તહેવાર ટાંકણે નવી નોટ આવવાની શકયતા ધુંધળી

જામનગરમાં ચાલુ વર્ષે દિવાળી પર રૂ.30 કરોડની નવી નોટોની ડિમાન્ડ પૂર્ણ નહીં થાય. કારણ કે, શહેરની બંને કરન્સી ચેસ્ટ બેંકમાં રૂ.200 કરોડની જૂની નોટો પડી છે. શહેરની બંને કરન્સી ચેસ્ટ બેંકમાં જૂની ચલણી નોટનો ભરાવો અને મસમોટી બેલેન્સના કારણે તહેવાર ટાંકણે નવી નોટ આવવાની શકયતા ધૂંધળી છે. આથી દિવાળીના તહેવારોમાં વેપારી-ઉધોગકારો કર્મચારીઓને બોનસ અને પગારમાં તો વડીલો સંતાનોને નવી ચલણી નોટો આપી ન શકે તેવી સ્થિતિ સર્જાઇ છે.

નવી ચલણી નોટ આપવાની વર્ષોથી પરંપરા
દિવાળીના તહેવારોમાં કર્મચારીઓને પગાર-બોનસમાં તથા વડીલો દ્રારા સંતાનોને નવી ચલણી નોટ આપવાની વર્ષોથી પરંપરા છે. આથી સરકારી બેંકો દિવાળી ટાંકણે ખાસ નવી ચલણી નોટ મંગાવે છે. શહેરમાં દર વર્ષે 25 થી 30 કરોડની નવી ચલણી નોટની માંગ રહે છે.

નવી નોટો મંગાવવાની શકયતા નહીંવત
આ વર્ષે લોકોની આ માંગ પૂર્ણ થાય તેની શકયતા નહીંવત છે. કારણ કે, શહેરની બંને મુખ્ય કરન્સી ચેસ્ટ સરકારી બેંક પૈકી એક બેંકમાં 100 કરોડ અને અન્ય બેંકમાં 90 કરોડની જૂની ચલણી નોટોની બેલેન્સ જેમની તેમ પડી છે. આથી બંને બેંક દ્વારા નવી નોટો મંગાવવાની શકયતા નહીંવત હોવાનું બેંકીગ ક્ષેત્રના અતરંગ સૂત્રોએ જણાવતા શહેરીજનોને દિવાળી ટાંકણે નવી નોટો ન મળે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ચલણી નોટોના ભરાવાથી બેંકોને રેપોરેટના દરે નુકસાન, માટે નવી નોટ મંગાવવી પરવડે નહીં !

જામનગરની બંને કરન્સી ચેસ્ટ બેંકોમાં રૂ.200 કરોડ જેટલી જૂની ચલણી નોટો પડી છે. આ ચલણી નોટ લોન પેટે કે અન્ય કોઇ ઉપયોગમાં ન લેવાતી હોય બેંકોને રેપોરેટના દરે એટલે કે 9 ટકા જેટલું વ્યાજનું નુકસાન થાય. આથી આ સ્થિતીમાં બંને બેંકોમાં કરોડની જૂની ચલણી નોટો પડી હોય રેપોરેટના દરે નુકસાન થાય માટે ચાલુ વર્ષે નવી નોટો મંગાવી પરવડે તેમ નથી. આથી નવી નોટ આવવાની શકયતા ખૂબજ ઓછી છે.

નવી ચલણી નોટો મંગાવવાની આવી હોય છે પ્રક્રિયા
શહેરમાં 12 સરકારી બેંકો આવેલી છે. દરેક બેંકનું ખાતું કરન્સી ચેસ્ટ બેંકમાં હોય છે. દિવાળીના તહેવારો પર બેંકોને નવી ચલણી નોટો જોઇએ ત્યારે બેંક કરન્સી ચેસ્ટ બેંકમાં જેટલી રકમની ચલણી નોટો જોઇએ તેની માંગણી સાથેનો પત્ર લખે છે. ત્યારબાદ કરન્સી ચેસ્ટ બેંકો બોલાવી અન્ય બેંકોને માંગણી સામે નવી ચલણી નોટો આપે છે. જયારે બંને કરન્સી ચેસ્ટ બેંક અમદાવાદ આરબીઆઇ પાસેથી નવી ચલણી નોટો મંગાવે છે. પરંતુ આ વર્ષે જૂની ચલણી નોટો પડી હોય નવી નોટ આવવાની શકયતા નહીંવત હોવાનું બેંકીંગ ક્ષેત્રના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ગત વર્ષે બંને કરન્સી ચેસ્ટ બેંકો દ્વારા 100 કરોડ જેટલી નવી ચલણી નોટો મંગાવવામાં આવી હતી. પરંતુ આ વર્ષે તેની સામે ખૂબજ ઓછી નવી ચલણી નોટો આવવાની શક્યતા પણ ન હોવાનું બેન્કીંગ ક્ષેત્રના અંતરંગ વર્તુળોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...