પુરની સ્થિતિ નિવારવાના પ્રયાસો:જામનગર શહેરમાંથી પસાર થતી નદીના કારણે પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોની કમિશનરે સમીક્ષા કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્હોરાનો હજીરો, ગુલાબનગર,નવ નાલા બ્રિજ, કાલાવડ નાકા બહારના વિસ્તારો, પટેલ પાર્ક તથા લાલપુર બાયપાસની મુલાકાત કરી

જામનગર શહેરના ઘણાં વિસ્તારો એવા છે જ્યાં વરસાદના પાણીના વ્હેણમાં અવરોધ આવી શકે છે અને ચોક્કસ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઇ શકે છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે બુધવારે કમિશ્નર સહિતના અધિકારીઓએ શહેરમાં લાલપુર “બાયપાસથી માંડીને વ્હોરાના હજીરા સુધીના વિસ્તારોમાં વિવિધસ્થળોએ નદીનું નિરીક્ષણ કર્યું હતું. અને જરૂરી વિચારણાઓ કરી સંબંધિત કામગીરીઓ માટે શાખાઓને સુચનાઓ આપ્યાનું જાહેર થયું છે.

મ્યુનિ. કમિશ્નર વિજયકુમાર ખરાડીની આગેવાની હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા એસ્ટેટ શાખાની ટીમે બુધવારે શહેરમાં વિવિધ સ્થળોએ નદીનું નિરીક્ષણ કર્યું હતું, નદીના પ્રવાહના માર્ગ સાથે સંકળાયેલા વિસ્તારો જેવા કે, વ્હોરાનો હજીરો, ગુલાબનગર નવનાલા બ્રીજ, કાલાવડ નાકા બહારના વિસ્તારો, પટેલ પાર્ક તથા આશીર્વાદદિપ-1 થી 4 પાછળના વિસ્તારો તેમજ લાલપુર બાયપાસ નજીકના કેટલાંક વિસ્તારોનું અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું અને ભારે વરસાદની સ્થિતિમાં પરિસ્થિતિ કેવા પ્રકારની થઇ શકે તેમ છે...? તથા ક્યાં વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થવાની શક્યતા છે...? અને ક્યાં વિસ્તારોમાં વરસાદી પાણીના વ્હેણ આડે અવરોધો આવી શકે એમ છે...? વગેરે બાબતોનો અભ્યાસ કર્યો હતો અને સંબંધિત શાખાઓને આ માટે જરૂરી સૂચનાઓ આપી હતી, નિરીક્ષણ માટેની આ ટીમમાં એસ્ટેટ શાખાના દબાણ દબાણ નિરીક્ષક રાજભા ચાવડા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

નોંધનીય છે કે, ગત ચોમાસામાં જામનગર શહેર આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા શહેરના નદી કાંઠાના વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોએ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રકારની સ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય તે માટે મનપા દ્વારા હાલ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...