જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની નવી ઇમારતનું કોકડું વધુ એક વખત ગુંચવાયું છે. કારણે કે, નીચા ભાવ આવતા રિ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા પોતાના પટાંગણમાં આવેલી જર્જરિત ઇમારતોના સ્થાને નવું જનરલ બોર્ડ બનાવશે પણ શહેરમાં બિનપયોગી પડેલી મનપા માલિકીની ઇમારતો ધૂળ ખાઇ રહી છે.
શહેરના વિકાસના દાવા કરતી મહાનગરપાલિકા ઘણાં સમયથી શોભાના ગાંઠિયા સમાન બનેલી ઇમારતોના સ્થાને આરોગ્ય કેન્દ્ર, શાળા સહિતની સુવિધાયુકત બિલ્ડીંગો બનાવામાં ઉદાસીનતા દાખવતા શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલી અને જર્જરિત થઇ ગયેલી લાઇટ શાખાના ઇલેકટ્રીક ગોડાઉન, ફાયર ઓફીસરની જુની ઓફીસ, સોલીડ વેસ્ટ મોટરવાહન શાખાની જુની ઓફીસ, મોટર વ્હીકલ અધિકારીની ઓફીસને પાડીને તેના સ્થાને મનપાના જનરલ બોર્ડની નવી ઇમારત બનાવાનો નિર્ણય મનપાએ કર્યો છે.
આ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં નીચા ભાવ આવતા રિ-ટેન્ડર કરવું પડશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું છે. આથી જનરલ બોર્ડની નવી ઇમારતનું કોકડું પુન: ગૂચવાયું છે. બીજી બાજુ મનપાએ પોતાના પટાંગણની ઇમારતોના સ્થાને જનરલ બોર્ડની નવી ઇમારત બનાવાનું નકકી કર્યું છે. પરંતુ શહેરમાં જુદા-જુદા સ્થળે આવેલી મનપાની માલિકીની ઇમારતો ધૂળ ખાઇ રહી છે. છતાં તેનો સુચારૂં ઉપયોગ કરી તેના સ્થાને સુવિધાયુકત બિલ્ડીંગો બનાવવામાં મનપા ઉદાસીનતા દાખવી રહી છે.
જામનગર શહેરમાં આવેલી મહાનગરપાલિકા હસ્તકની આ જર્જરિત ઇમારતોનું શું ?
જામનગર શહેરમાં ખોજાનાકા પાસે આવેલી મનપા હસ્તકની નબાઇ કન્યા વિધાલયની ઇમારત ધૂળ ખાઇ રહી છે. તેના સ્થળે આરોગ્ય કેન્દ્ર બનવવાનું વિચારણા હેઠળ છે પણ કયારે થશે તે નકકી નથી.
જામનગરમાં મનપા હસ્તકની જુદા-જુદા સ્થળે આવેલી ઇમારત છેલ્લાં ઘણાં સમયથી ધૂળ ખાઇ રહી છે. મનપાએ પોતાનું પટાંગણ ચોખ્ખું કરવા જર્જરિત ઇમારતો પાડી તેના સ્થાને જનરલ બોર્ડની નવી ઇમારત બનાવશે. પરંતુ અન્ય ઇમારતો અંગે કોઇ નિર્ણય ન કરતા શોભાના ગાંઠિયા સમાન બની છે.
તળાવની પાળે બાલમંદિર: શહેરમાં તળાવની પાળે મીગ કોલોની પાસે બાલમંદિરની વિશાળ ઇમારત આવેલી છે. જે અસામાજીક તત્વોનો અડ્ડો અને પશુ બાંધવાનું સ્થળ બન્યું છે. આ સ્થળે લાયબ્રેરી કે રીક્રીએશન કલબ બનાવનું વિચારણા હેઠળ છે.
ડીકેવી પાસે જર્જરિત રૂમ: શહેરમાં ડીકેવી કોલેજ પાસે જર્જરિત રૂમ અને વોર્ડ ઓફીસ હોય તેના સ્થળે ફરિયાદ કેન્દ્ર બનાવવાનું વિચારણા હેઠળ છે. પરંતુ તદન સામન્ય કામમાં પણ મહાપાલિકા નકકર નિર્ણય કરી શકતી ન હોય અનેક સવાલ ઉઠયા છે.
શંકરટેકરીમાં જર્જરિત શાળા: શહેરમાં શંકર ટેકરી વિસ્તારમાં મનપા હસ્તકની શાળા આવેલી છે. જે જર્જરિત થઇ ગઇ છે. તેના સ્થાને નવી શાળા બનાવવાનું વિચારણા હેઠળ છે. પરંતુ હજુ બનાવામાં આવી નથી. આથી ઇમારત શોભાના ગાંઠિયા સમાન બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.