કોરોનાનું ગ્રહણ:પાર્ટી પ્લોટમાં ગરબા પર પ્રતિબંધથી વેપારને માઠી અસર

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધર-ચાઈલ્ડ થીમ ચોલી, ઘુમ્મરયુ, કેડિયા ચોલી , ધોતી સાફાવાળા ચણિયા ચોલીનો યુવાવર્ગમાં ટ્રેન્ડ

કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષ નવરાત્રિમાં પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવનું આયોજન થઇ શક્યું ન હતું. પરંતુ આ વર્ષે કોરોનાનાં કેસ ઘટતા સરકાર દ્વારા 400 લોકો સાથે નવરાત્રિમાં ગરબાની છુટ આપવામાં આવી છે. જો કે, પાર્ટી પ્લોટ તથા કલબમાં થતા અર્વાચીન ગરબા ઉપર રોક લગાવવામાં આવી છે. કોરોનાના કેસ તળીયે પહોંચતા વેપારીઓ દ્વારા આ વર્ષે પહેલાની જેમ ગરબાના આયોજન થશે તેવી આશા સાથે નવરાત્રી પૂર્વે અલગ-અલગ પ્રકારના ચણિયાચોળી બનાવાવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મધર-ચાઈલ્ડ થીમ ચોલી , ઘુમ્મરયુ, ઘુમ્મર, કેડિયા ચોલી, ધોતી સાફા સહિતની વિવિધતા સાથેના ચણિયાચોળીનો ટ્રેન્ડ અને ઓછા વજનવાળા અને યુનિક કલર સાથે મોતી અને કચ્છી કાપડના ઓર્નામેન્ટસની માંગ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

જો કે, નવરાત્રિની ગાઇડલાઇન જાહેર થતાં પી.પી.ઇ. કિટવાળા, કોરોનાવાયરસ થીમ બેઝ તથા પરમસુંદરી ચણિયાચોલી બનાવવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવતા પાર્ટી પ્લોટ, કલબ તથા અન્ય એક દિવસીય નવરાત્રીનું આયોજન ન થતા એક દિવસ માટે લઇ જતાં ચણીયા ચોળીના પ્રમાણમાં 80 ટકા ઘટાડો થશે તેમ વેપારીઓએ જણાવ્યું છે.

નાના છોકરાના ચણિયાચોળી ફકત 20 ટકા વેચાય છે
નવરાત્રી શરૂ થતાં 0 થી 12 વર્ષના બાળકોના ચણિયાચોળી ખૂબ વેચાતા હોય છે. જેમાં ખાસ કરીને 0 થી 6 વર્ષ સુધીના ભૂલકાઓને ફોટા પાડવા માટે લોકો લઈ જતા હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 20 ટકા જેટલું જ વેચાણ થયું છે તેમ વેપારીઓએ જણાવ્યું છે.

નવરાત્રિમાં ફકત 30 ટકા લોકો ચણિયાચોળી ભાડે લેશે
કોરોના કેસ સાવ તળીયે પહોંચતા નવરાત્રિમાં વ્યાપક છૂટછાટની આશા હતી. આથી સાફા વાળા, કેડિયા ચોલી સ્ટાઇલ, પરમ સુંદરી, ઘુમ્મર યુ જેવા થીમ બેઝ વેલ ડ્રેસ ચણિયાચોળી બનાવ્યા છે. પરંતુ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન નહીં થાય. આથી નવરાત્રી દરમિયાન માત્ર 30 ટકા ચણિયાચોળી ભાડે જાય તેવી શક્યતા છે.> ધવલ પાટલીયા વેપારી, જામનગર.

ગાઇડલાઇન જાહેર થતાં ચણિયાચોળીનું કામ અટકાવ્યું
આ વર્ષે પી.પી.ઇ કીટ, કોરોનાવાયરસથી થીમ બેઝ ચણિયાચોળી બનાવવાના હતા અને તેનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.પરંતુ સરકાર દ્વારા ફક્ત શેરી ગરબા અને 400 લોકોની છૂટ અપાતા ચણિયાચોળી બનાવવાનું કામ અટકાવી દેવાયું છે. ખેલૈયાઓ શેરી ગરબામાં ઘરના ચણીયાચોલી વધુ પહેરતા હોય છે. આથી 20 ટકા ચણિયાચોલી ભાડે જાય તેવી શક્યતા છે.> મોન્ટુભાઈ સીમરીયા, જામનગર.

અન્ય સમાચારો પણ છે...