ભાસ્કર એક્સકલુઝિવ:હાલારમાં સરેરાશ વરસાદ વધીને 47 ઇંચ થયો છતાં જળસ્તર 16 ફુટ નીચે ઉતર્યું

જામનગર3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • દાવા પોકળ પુરવાર : વહિવટી તંત્રની વરસાદી પાણી જમીનમાં ઉતારવાની કામગીરી કાગળ પર
 • સમસ્યા : જામનગર-દ્વારકા જિલ્લામાં જમીનમાં સખત કાળા પથ્થરની ભૌગોલીક સંરચનાથી તળમાં વરસાદનું પાણી નીચે ન ઉતરતા સંગ્રહ થઇ શકતો નથી
 • દિન-પ્રતિદિન વધુ પાણીના વપરાશથી જળસ્તરમાં ઘટાડો: અપૂરતા રીચાર્જ સ્ટ્રકચરના કારણે પાણીનું ઘટી રહેલું સ્તર ચિંતાનો વિષય બન્યો

હાલારમાં જમીનમાં સખત કાળા પથ્થર(બેસાલ્ટ)ની ભૌગોલિક સંરચનાથી તળમાં વરસાદનું પાણી નીચે ન ઉતરતા પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. જેના કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ વરસાદ વધીને 47 ઇંચ થવા છતાં જમીનના તળમાં પાણીનું લેવલ એટલે કે સ્તર 5 મીટર એટલે કે 16 ફુટ જેટલું નીચે ઉતર્યું હોવાનું પાણી પુરવઠા બોર્ડના ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું છે. તેના જણાવ્યાનુસાર વર્ષ 2005-06 માં હાલારમાં જમીનના તળમાં 20 થી 22 મીટરે પાણી આવતું હતું. જયારે હાલમાં બંને જિલ્લામાં પાણીનું લેવલ 5 મીટર નીચે ઉતરતા 25 થી 27 મીટરે પાણી આવી રહ્યું છે.

જળસંકટની આ સ્થિતિમાં અપૂરતા રીચાર્જ સ્ટ્રકચરના કારણે દિન-પ્રતિદિન પાણીનું ઘટી રહેલું સ્તર ચિંતાનો વિષય બન્યો છે. આ કારણોસર જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જમીનમાં કરવામાં આવતા પાણીના બોરના ઘણા કિસ્સામાં થોડા દિવસોના સમયગાળામાં જ પાણી જતું રહે છે. બીજી બાજુ વરસાદ કરતા વધુ પાણીના વપરાશથી પણ જળસ્તર ઘટયું છે.

વર્ષ-2008માં બંને જિલ્લામાં સરેરાશ વરસાદ 874 મીમી એટલે કે 35 ઇંચ થતો હતો. જેમાં વર્ષ-2018 માં ઘટાડો થતાં સરેરાશ વરસાદ 573 મીમી એટલે કે 23 ઇંચ થતાં વરસાદમાં 12 ઇંચનો ઘટાડો નોંધાયો હતો. જો કે, વર્ષ-2019 થી 2021 સુધીમાં ત્રણ વર્ષમાં સરેરાશ વરસાદ 47 ઇંચ નોંધાયો છે. આમ છતાં હાલારના જળસ્તરમાં સુઘારો થવાને બદલે 16 ફુટ નીચે ઉતર્યું છે. આથી આગામી વર્ષોમાં જળસંકટ વધુ ઘેરૂં બનવાની શકયતા નકારી શકાતી નથી.

ભૂગર્ભ જળ વધુ ઉંડા ન ઉતરે તે માટે સરકારના પગલાં
તાજેતરમાં કેન્દ્ર સરકારની નીતિ અંતર્ગત દેશભરની ગુજરાતમાં પણ ભૂગર્ભમાંથી જળ ખેંચવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે. રહેણાંક, સોસાયટી, ફલેટ, એપાર્ટમેન્ટ, વાણીજય, ઔધોગિક એકમો, સ્વીમીંગ પુલ સહિતના કોઇપણ એકમો કે જેઓ બોરના ઉપયોગથી ભૂગર્ભ જળનો વપરાશ કરે છે તેમના માટે મંજૂરી ફરજીયાત બનાવામાં આવી છે.

ભૂગર્ભ જળ વધુ ઉંડા ન ઉતરે તે માટે સરકારે આ પગલાં લીધા છે. જેમાં ભૂગર્ભ જળનો વપરાશ કરવા માટે રૂ.10 હજાર ચાર્જ ભરવો પડશે. પરંતુ 10 હજાર લીટરથી ઓછા વપરાશના કિસ્સામાં ફીમાંથી મુકિત આપવામાં આવી છે.

જળસ્તર ઘટવાના મુખ્ય કારણો

 • ગ્લોબલ વોર્મિંગને કારણે સરેરાશ વરસાદમાં ઘટાડો
 • ખેતીમાં જરૂરિયાત કરતા વધુ પાણીનો વપરાશ, ટપક સિંચાઇ પધ્ધતિની અવગણના
 • નદીઓમાંથી થતું ગેરકાયદે રેતીનું ખનન
 • સખત કાળા પથ્થરની ભૌગોલીક સંરચનાને કારણે જમીનની નીચે આવેલા પાણીના તળાવમાં વરસાદી પાણી ન ઉતરતા
 • વરસાદ કરતા વધુ પાણીનો વપરાશ

જળસ્તર ઉંચુ લાવવા આ પગલાં અનિવાર્ય

 • ચેકડેમ, તળાવ, મોટાડેમ બનાવવા
 • બોર બ્લાસ્ટીંગ ટેકનીક
 • હાઇડ્રોફ્રેકચરીંગ એટલે કે ધડાકા કરી જળાશયો ઉંડા ઉતારવા
 • નદીઓમાં થતા અનઅધિકૃત રેતીના ખનન પર કાયમી પ્રતિબંધ
 • રીચાર્જ સ્ટ્રકચર ડેવલોપ કરવા
 • અરબન એટલે કે શહેરી વિસ્તારોમાં રૂફ લેવલ વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ ડેવલોપ કરવી એટલે કે અગાસીમાં એકત્ર થતું વરસાદી પાણી બોરમાં ઉતારવું.

જો આ જ સ્થિતિ રહી તો જામનગર અને દ્વારકા જિલ્લો ડાર્કઝોનમાં આવી જશે
જામનગર પાણી પુરવઠા બોર્ડના ભૂસ્તરશાસ્ત્રી મયુર જસવાણી અને લઘુ ભૂસ્તરશાસ્ત્રી મયુર ભટ્ટે જણાવ્યું હતું કે, હાલારમાં ઓછી ઉંડાઇના બોર અને કુવામાં પાણી જમા થાય છે. પરંતુ સખત કાળ પથ્થરની ભૌગોલીક સંરચનાને કારણે વધુ ઉંડાઇવાળા બોર, કુવામાં પાણી પહોંચવાની ક્ષમતા ખૂબજ ધીમી હોય પહોંચતું નથી. છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ વરસાદ વધ્યો છે. પરંતુ વરસાદ કરતા વધુ પાણીના વપરાશથી હાલારમાં જળસ્તર 5 મીટર એટલે કે 16 ફુટ જેટલું ઘટયું છે. આથી જો રીચાર્જ સ્ટ્રકચર સહીતના તકેદારીના પગલાં નહીં લેવામાં આવે તો આગામી વર્ષોમાં બંને જિલ્લા ડાર્કઝોનમાં આવવાની શકયતા તેઓએ વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...