ડોક્ટર પર હુમલા મામલે કાર્યવાહી:જામનગરની જી.જી હોસ્પિટલમાં તબીબ પર હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબી ડોક્ટરને દર્દીના સગાએ ઉશ્કેરાઈ જઈ ફડાકા ઝીક્યા હતા
  • પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ બે કલમો ઉમેરવામાં આવી હતી

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જી.જી.હોસ્પિટલમાં તબીબી ડોક્ટર પર દર્દીના સગાએ હુમલો કર્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ બે કલમનો ઉમેરો કરી દ્વારકા જિલ્લાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. કોવિડ ટેસ્ટ બાદ આજે વિધિવત રીતે ધરપકડ કરીને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?

જામનગરની મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં તબીબી ડોક્ટર રણજીત નાયર મંગળવારના સરકારી જી.જી હોસ્પિટલના ફેફસા વિભાગમાં પોતાની ફરજ પર હતા. આ દરમિયાન દર્દીના સગા સાથે થયેલી બોલાચાલીમાં આરોપી દર્દીના સગાએ ઉશ્કેરાઈ જઈને રેસિડન્ટ ડોક્ટર રણજીત નાયરને ભડાકા ઝીંકી દેતા વોર્ડમાં અફરાતફરી મચી ગઇ હતી. ડોક્ટરના કાનના પડદામાં કાણું પડી જતા ડોક્ટરમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.

ડોક્ટર્સે ફરિયાદમાં કલમોનો ઉમેરવાની માગ કરી હતી

આ ઘટનાને લઈ મોડી રાત્રે રેસીડન્ટ તબીબો દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા. તેમજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાબતની તપાસ પીએસઆઈ એસ.એમ રાદડિયા હાથ ધરી હતી. જે દરમિયાન બુધવારે ડોક્ટર એસોસિએશનનો દ્વારા ડીન નંદની દેસાઈને આવેદનપત્ર આપી ફરિયાદોમાં કલમોનો ઉમેરવાની માગણી કરી હતી.

પોલીસે બે કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી

જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી આઈ જે કે.ભોયે મેડિકલ કોલેજની ડીન ઓફીસ ખાતે પહોંચી રજુઆત સાંભળી હતી અને ફરિયાદમાં યોગ્ય જણાશે તો કલમોનો ઉમેરો કરવા ખાતરી આપી હતી ત્યારબાદ પોલીસે તપાસમાં યોગ્ય લાગતા પોલીસે 333 અને 504 મુજબની બે કલમોનો ઉમેરો કર્યો છે અને તબીબી ઉપર હુમલો કરનાર દ્વારકા જિલ્લાના લાંબા ગામના પરબત રાણાભાઇ ચેતરિયાને પકડી લઈને કોરોના ટેસ્ટ કરાવી વિધિવત રીતે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...