ભાસ્કર સ્પેશિયલ સ્ટોરી:જામનગર શહેરની મહાનગરપાલિકાએ બનાવેલી 22 વર્ષ જૂના પ્રથમ આવાસ અત્યંત જર્જરિત બન્યા

જામનગરએક મહિનો પહેલાલેખક: સમીર ગડકરી
  • કૉપી લિંક
  • 4 વર્ષથી મહાપાલિકા જાહેર નોટિસ આપી સંતોષ માને છે
  • જો કોઈ ઘટના બની તો જવાબદારી રહેવાસીની કે મહાપાલિકાની ? યક્ષ પ્રશ્ન ઉઠ્યો

જામનગર શહેરની મહાનગરપાલિકાએ બનાવેલી સૌપ્રથમ 22 વર્ષ પહેલાની અંધાશ્રમ પાસેની 1404 આવાસ હવે અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં થઈ ગયા છે. પરંતુ તેની જાળવણી કોણ કરે અને આ બાબતે મનપાએ પોતાના હાથ ઉંચા કરી દીધા છે અને ત્યાં રહેતા લોકોને રીપેરીંગ કરવા અથવા તો મકાન ખાલી કરવાની સૂચના આપી દીધી છે.

આવાસ યોજનાના ફ્લેટ અને બિલ્ડીંગ અત્યંત જર્જરિત હાલતમાં
જામનગર મહાનગરપાલિકાએ 2000ની સાલમાં અંધાશ્રમ ફાટક પાસે આવાસ યોજનાનું નિર્માણ કર્યું હતું જેમાં 1404 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. 3 માળના બનાવવામાં આવેલા આ ફ્લેટ હવે તો જામનગરના મુખ્ય વિસ્તારમાં આવી ગયા છે તેમજ આ જગ્યાની કિંમત પણ વધી ગઈ છે. દરમિયાન 22 વર્ષ પહેલા બનેલા આવાસ યોજનાના ફ્લેટ અને બિલ્ડીંગ હવે અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. 4 વર્ષથી દર વખતે ચોમાસા પહેલા મહાપાલિકા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી પોતાની કામગીરી કર્યાનો સંતોષ માને છે.

લોકો અને મહાપાલિકા વચ્ચે ઘર્ષણ વધ્યું
મહાપાલિકા સ્પષ્ટપણે માને છે કે, રીપેરીંગની જવાબદારી જે તે લોકો રહે છે તેની છે. જ્યારે ત્યાંના રહેવાસીને મહાપાલિકા પાસે અપેક્ષા છે જેના કારણે લોકો અને મહાપાલિકા વચ્ચે ઘર્ષણ વધ્યું છે અને આ બાબતનું કોઈ ચોક્કસ નિવેડો આવતો નથી. પરંતુ મહત્વની વાત બંને પક્ષ ભૂલે છે કે જર્જરીત બનેલી ઈમારત તો કોઈ ઘટના બની તો તેની જવાબદારી કોની રહેશે ? તેવો સવાલ ઉઠયો છે.

100 કરોડની દરખાસ્ત કરી છે: ઈજનેર
1404 આવાસને અમે દર વર્ષે નોટિસ આપીએ છીએ તેમજ ફ્લેટ ધારકોને વપરાશ ન કરવા અને ખાલી કરવા માટે જાહેર નોટિસ આપીએ છીએ. આવાસને હાઈરાઈઝ બનાવવા 100 કરોડની દરખાસ્ત પણ કરાઈ છે તે હજુ પ્રાથમિક તબક્કામાં જ છે. બાકી અહીંના રહેવાસીઓને કેમ ખસેડવા અને તેનું ભાડુ કોણ ભરે તે બધા પ્રશ્નો પણ છે. - અશોક જોષી, ઈજનેર, સ્લમ અને હાઉસીંગ શાખા, મહાનગરપાલિકા, જામનગર.

જમીન કિંમતી અને મહત્વની બની છે
1404 આવાસ યોજના જે તે સમયે બની ત્યારે શહેરની ભાગોળે હતી પરંતુ શહેરનો વિકાસ થતા જ તે શહેરની અંદર આવી ગઈ છે. હવે આ જગ્યાની કિંમત પણ વધી ગઈ છે. જે તે સમયે ફક્ત 3 માળના આવાસ બનાવવામાં આવ્યા હતા. હવે મહાપાલિકા અહીં હાઈરાઈઝ બિલ્ડીંગ બનાવવાનું વિચારે છે જે માટે દરખાસ્ત પણ કરવામાં આવી છે. પરંતુ તેનો કોઈ સરકારમાંથી હજુ સુધી નિર્ણય આવ્યો નથી.

દર ચોમાસામાં અમને ભયંકર તકલીફ પડે છે
અહીં ગટરની ખૂબજ સમસ્યા છે જેના કારણે નીચે રહેવાસીઓને પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે. જેના કારણે દર ચોમાસે અમને ભયંકર તકલીફ પડે છે. મહાપાલિકા આ બાબતે કંઈ કરતું નથી. - ગીતાબેન સુર, જામનગર.

અમારા ઘરની અંદર તો પોપડા પડે છે
અમે લોકોએ અનેકવાર મહાનગરપાલિકાને ફરિયાદ કરી છે કે, ઘરની અંદર પોપડા પડે છે તેમજ આને રીપેર કેમ કરવું તે સમજાતું નથી. મહાપાલિકા આ બાબતે કોઈ દાદ દેતું નથી.- નિરૂબેન વારા, જામનગર.

રવેશ અને સીડી તો અત્યંત જોખમકારક બની ગયા છે
આવાસ જોખમી છે તે અમને ખબર છે તેમાં રહેવું અમારી મજબુરી છે. બાકી આ આવાસમાં સૌથી વધુ જોખમી રવેશ અને સીડી છે જે ગમે ત્યારે પડે તેમ અમને લાગી રહ્યું છે. - મંજુબેન ડોરૂ, જામનગર.

આવાસના તમામ બિલ્ડીંગ હવે નબળા પડી ગયા છે
અહીં આવેલા આવાસના તમામ બિલ્ડીંગો હવે સાવ જ નબળા પડી ગયા છે તેને ખરેખર નવા બનાવવાની જરૂર છે. કારણ કે, રહીશો પર જોખમ તોળાઇ રહ્યું છે. - પ્રકાશભાઈ પરમાર, જામનગર.

વરસાદની સીઝનમાં શોર્ટ સર્કીટનો મોટો ભય રહે છે
આવાસની અમુક બિલ્ડીંગનો જીઈબીના સબ સ્ટેશનની નજીક છે જેના કારણે વરસાદની સીઝનમાં શોર્ટ સર્કીટનો ભય રહે છે અને રહીશોને જોખમ છે. - તારાબેન વાજા, જામનગર.

અગાસી ખૂબજ જોખમી, ભયનો માહોલ
અમારા બિલ્ડીંગની અગાસી ખૂબજ જોખમી બની જવા પામી છે. તેના કારણે ત્રીજા માળે જે લોકો રહે છે તેના ફ્લેટમાં વરસાદી પાણી આવે છે. પરિણામે ત્રીજા માળે રહેતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. - નીતાબેન ભડાણિયા, જામનગર.

જૂના આવાસ પાડીને નવા આવાસ બનાવો
ખરેખર તો આ જોખમી બનેલા આવાસને પાડીને નવા આવાસ બનાવવામાં આવે તો જ અહીંના રહેવાસીઓ અને લોકોની તકલીફો દૂર થાય તેમ છે. મહાપાલિકાએ નવા આવાસ બનાવી દેવા જોઈએ તો અહિંના રહેવાસીઓની સેંકડો પરેશાની હલ થઇ જશે. - રાજેશભાઈ ચાંદ્રા, જામનગર.

અન્ય સમાચારો પણ છે...