હવામાન પલ્ટો:જામનગરમાં ધાબડિયા માહોલ વચ્ચે વાતાવરણમાં ટાઢોડુ: પારો 17.5 ડિગ્રી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુસવાટા મારતા પવન વચ્ચે પારો એક ડિગ્રી ઘટ્યો, ઠંડીનું જોર વધ્યું
  • માવઠાની હવામાન વિભાગની આગાહી વચ્ચે દિવસભર વાદળછાયો માહોલ

જામનગરમાં મંગળવારે સવારથી ધાબડીયા માહોલ વચ્ચે સુસવાટા મારતો પવન ફુંકાયો હતો.સુર્યનારાયણના અલપ ઝલપ દર્શન વચ્ચે આકાશમાં અવાર નવાર વાદળો છવાયેલા રહ્યા હતા.લઘુતમ પારો એક ડિગ્રી ઘટી 17.5 ડિગ્રી પર સ્થિર થયો હતો. મોડીસાંજ બાદ વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ.

રાજયમાં માવઠાની હવામાન વિભાગે શકયતા દર્શાવી હતી જેના પગલે જામનગરમાં મંગળવારે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.દિવસ દરમિયાન સુર્યનારાયણના અલપ ઝલપ દર્શન વચ્ચે ધાબડીયો માહોલ રહયો હતો.બીજી બાજુ પવનનો વેગ પણ વધ્યો હતો.સરેરાશ દશથી વીશ કિ.મિ.ની ઝડપે ફુંકાયેલા પવનના કારણે રાત્રીના પગરવ સાથે વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી.જેથી જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ.

જામનગરમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 17.5 રહયુ હતુ જયારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની ગતિમાં આંશિક વધારાના કારણે સુર્યાસ્ત બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આગામી દિવસોમાં ઠંડીનુ જોર ક્રમશ: વધશે એવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ દરમિયાન વાતાવરણમાં પલ્ટો આવતા શહેર સહિત અમૂક સ્થળોએ કમોસમી છાંટા વરસ્યા હતા જે બાદ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ યથાવત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...