ઓખા મંડળના મીઠાપુર ખાતેની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઈમોસ્નલ બ્લેકમેલ કર્યા બાદ ધમકાવીને વારંવાર દુષ્કર્મ આચરવા સ્થાનિક શિક્ષકને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂપિયા ત્રીસ હજારના દંડ હુકમ કર્યો છે.
દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારની એક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી સગીર વયની એક વિદ્યાર્થિનીને શાળાના પરિણીત શિક્ષકે મોબાઈલ ફોનમાં ઈમોસ્નલ મેસેજ મારફતે માયાજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ઓગસ્ટ- 2016 માસમાં તેણે સગીર વિદ્યાર્થિનીને મેસેજ કરીને પોતાના ઘરે બોલાવી હતી. અહીં શિક્ષકના ઘરના સભ્યો હાજર ન હોવાથી તેણે ઘરનો દરવાજો બંધ કરી, અને સગીરાને ઈમોશ્નલ વાતો કરી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
આ જ રીતે આરોપી શિક્ષક દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેમજ સગીરાના માતા-પિતા ઘરે ન હોય ત્યારે પણ આવીને શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ પછી આરોપીએ 'જો તું મને મળવા નહીં આવે અને સંબંધ નહીં રાખે તો સમાજમાં તને બદનામ કરી નાખીશ' તેવી ધમકી આપતા આ અસહ્ય ત્રાસથી કંટાળેલી સગીરાએ હિંમત કેળવી તેના માતા પિતાને જાણ કરી મીઠાપુર પોલીસ મથકમાં 2018મા ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે દુષ્કર્મની કલમ તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી, આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.
આરોપીના મોબાઇલ ફોનની ગાંધીનગર એફ.એસ.એલ.ની તપાસનો રિપોર્ટ તેમજ 16 સાક્ષીઓની તપાસ અને નિવેદન સહિતની સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની ચોટદાર દલીલોને ગ્રાહ્ય રાખી દ્વારકાના એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી શિક્ષકને આજીવન કારાવાસની કેદ તથા રૂપિયા ત્રીસ હજારનો દંડ હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.