તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આબાદ બચાવ:જામજોધપુરના નંદાણામાં ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ, ગ્રામજનોએ માનવ સાંકળ રચી કારમાં સવાર તલાટીને બહાર કાઢ્યા

જામનગર21 દિવસ પહેલા
  • મામલતદાર, ગ્રામજનો સરપંચ સહિત શેઠવડાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી
  • ભારે વરસાદના પગલે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યું હતું

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી પાણીનો ભરાવો થયો હતો. ત્યારે જામજોધપુર પંથકના નંદાણા ગામ પાસેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યું હતું અને પાણીનો ફ્લો 3 ફૂટ જેટલો વહી રહ્યો હતો. જેમાં તલાટી મંત્રીની કાર ફસાઈ હતી. જેને ગ્રામજનોએ ભારે જહેમત બાદ બહાર કાઢી તલાટીનો આબાદ બચાવ કર્યો હતો.

કોઝવે પર પાણી ભરાય જતા કાર ફસાઈ
જિલ્લામાં ભારે વરસાદના કારણે નંદાણા ગામ પાસેના ડેરી આંબરડી અને નંદાણા વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં એક કાર ફસાઈ ગઈ હતી. જે કાર તલાટી મંત્રીની હતી. તલાટી મંત્રી રૂપેશ સુથાર જામજોધપુર જઈ રહ્યા હતા તે દરમિયાન કોઝવે પર પાણી ભરાય જતા તેઓ કાર સાથે ફસાઈ ગયા હતા.

ભારે જહેમત બાદ તલાટી મંત્રીનો બચાવ
તલાટી મંત્રીની કાર કોઝવે પર ફસાઈ જતા સરપંચ સહિત ગ્રામજનો અને આગેવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ શેઠવડાળા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ કારને બહાર કાઢી તલાટી મંત્રીનો આબાદ બચાવ કર્યો હતો.

મેઘરાજા મનમૂકીને વરસ્યા
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા પર નજર ફેરવીએ તો દ્વારકામાં 21 મિ.મી, કલ્યાણપુરમાં 15 મિ.મી તો જામનગરના જામજોધપુરમાં 3, લાલપુર અને જામનગરમાં 1-1 મિ.મી વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઇએ તો જામનગર જિલ્લાના જોડિયામાં 102 મિ.મી, લાલપુરમાં 74 મિ.મી, કાલાવડમાં 63 મિ.મી, ધ્રોલમાં 55 મિ.મી, જામનગરમાં 53 મિ.મી અને જામધોધપુરમાં 48 મિ.મી વરસાદ ખાબક્યો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરમાં 163 મિ.મી, ખંભાળિયામાં 158 મિ.મી, ભાણવડમાં 70 મિ.મી અને દ્વારકામાં 44 મિ.મી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...