જામનગરની જીજી હોસ્પિટલમાં ગઈકાલે મંકીપોક્સનો એક શંકાસ્પદ કેસ નોંધાયા બાદ રાહતના સમાચાર આવ્યા છે. ગાંધીનગરથી દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે. દર્દીના સેમ્પલની વધુ તપાસ માટે પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.
29 વર્ષીય યુવકનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો
જામનગર નજીક આવેલા નવા નાગના ગામમાં રહેતા 29 વર્ષીય યુવકમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો દેખાતા યુવકને જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શંકાસ્પદ દર્દીને અહીં આઈસોલેટ કરી ગાંધીનગર સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી આજે નેગેટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
દર્દીના સેમ્પલ પુણેની લેબમાં તપાસ માટે મોકલાયા
ગાંધીનગરની લેબોરેટરીમાં યુવકનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ આરોગ્ય વિભાગે રાજ્યનો પ્રથમ શંકાસ્પદ કેસ હોય વધુ તપાસ માટે સેમ્પલ પુણેની લેબમાં મોકલી આપ્યા છે.
ગુજરાતમાં હજી સુધી મંકીપોક્સનો એકપણ કેસ નથી
જામનગરમાં નોંધાયેલો શંકાસ્પદ કેસ જો પોઝિટિવ આવ્યો હોત તો રાજ્યનો પ્રથમ મંકીપોક્સનો કેસ નોંધઆયો હોત. જો કે, આજે ગાંધીનગરથી નેગેટિવ રિપોર્ટ આવતા ગુજરાતમાં મંકીપોક્સના કેસની સંખ્યા શૂન્ય છે. યુરોપમાં કહેર મચાવ્યા બાદ ભારતના કેરળમાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.