સર્વે કામગીરી:જામનગર જિલ્લાના ગામોમાં અતિવૃષ્ટિના કારણે થયેલી તારાજીની સર્વે કામગીરી પૂરજોશમાં, સર્વે કરી સહાય અપાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ કામગીરી સપ્તાહના અંત સુધીમાં પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીની તાકીદ
  • અંદાજિત 6481 અસરગ્રસ્તોને ઘરવખરી-કપડાની સહાય અને 24 હજારથી વધુ લોકોને કેશડોલ્સ અપાશે

જામનગર જિલ્લામાં તા.12 અને 13 સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેતી પાકો, લોકોને, પશુઓને ખૂબ નુકસાની અને હાની પહોંચી હતી.

આ નુકસાની માટે અસરગ્રસ્ત ગામો અને વિસ્તારનો સર્વે હાલ વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના સર્વે માટે જિલ્લાકક્ષાની 12 ટીમ અને રાજ્યકક્ષાની 10 ટીમો કાર્યરત છે. પશુ મૃત્યુ 462 મૃત પશુઓનો વેરિફિકેશન કરી મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. હાલ 136 અસરગ્રસ્ત ગામોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકારના નિયમ મુજબ આ અંગે ચૂકવણાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

જામજોધપુર ખાતે થયેલા 2 માનવ મૃત્યુ માટે વારસદારને તત્કાલ 8 લાખ 41 હજાર નું ચુકવણું ડીબીટી મારફતે કરવામાં આવેલું છે. જિલ્લામાં ગ્રામ વિસ્તારોમાં સર્જાયેલી તારાજીને કારણે 17 રસ્તાઓ બંધ હતા જેમાંના 10 રસ્તાઓ હાલ શરૂ થઇ ચુકયા છે અને એક આવતીકાલે પૂર્વવત્ કરવામાં આવશે, બાકી રહેલ 6 રસ્તાઓ હાલ ડુબાણમાં આવતા હોવાથી પાણી ઉતરતાની સાથે જ તેનું સમારકામ કરી આવાગમન માટે તેને પૂર્વવત કરવાની કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

અંદાજિત 6 હજાર 481 લોકોને ઘરવખરી-કપડાં સહાય તથા અંદાજિત 24 હજાર 772 લોકોને કેશડોલ્સ ચૂકવવા માટેનો સર્વે હાલ પ્રગતિમાં છે. આ સર્વે આવતીકાલે સુધીમાં મહદઅંશે પૂરો કરવામાં આવશે તેમજ આ સપ્તાહાંત સુધીમાં ચુકવણાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના કુલ 346 ઝુંપડા અને કાચા મકાનો તેમજ 98 જેટલા પાકા મકાનો નુકસાનગ્રસ્ત જણાયા છે હાલ એન્જિનિયર મારફતે વિસ્તૃત સર્વેક્ષણ બાદ આ અસરગ્રસ્તોને ચુકવણાની કાર્યવાહી સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

પૂરના પાણી પાક પર ફરી વળતા ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે 31 હાજર 474 હેકટર જમીનના પાકને નુકશાન થયેલા છે જેના સર્વે માટે જામનગર જિલ્લાના 39 ગ્રામસેવકો તથા બોટાદ જિલ્લાના 10, ભાવનગર જિલ્લાના 30, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 20 ગ્રામ સેવકો સહિતની 100 જેટલી ટીમ કામગીરી કરી રહી છે. આ કૃષિ નુકસાનના સર્વેને પણ ઝુંબેશના ધોરણે પૂર્ણ કરવામાં આવશે તેમજ ચુકવણાની કાર્યવાહી પણ સત્વરે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત 152 જેટલા ગામ વિસ્તારમાં વીજપુરવઠો બંધ હતો જેમાંથી હાલ 145 ગામનો વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે.

જિલ્લાકક્ષાની વિગતો જોઈએ તો, જામનગર જિલ્લામાં કુલ પાંચ માનવ મૃત્યુ, 1585 પશુ મૃત્યુ, 2 લોકોને માનવ ઇજા જણાઇ છે. કુલ 50 બંધ થયેલા રસ્તા પૈકી 42 રસ્તા હાલ આવાગમન માટે પૂર્વવત કરાયા છે. તો જિલ્લાના 5093 વીજળીના થાંભલાઓને નુકસાન થયેલા છે. સર્વે અંતર્ગત જિલ્લાના 20 હજાર 370 કુટુંબોને ઘરવખરી નુકશાની અંગે સહાય, 334 ઝુંપડા અથવા તો કાચા પાકા મકાનોને નુકસાન, 90 પાકા મકાનો, 54 સરકારી મકાનોને નુકસાન તેમજ આશરે 31 હજાર 474 હેક્ટર જમીનના ખેતીપાકો ઉપરાંત અંદાજીત 970 હેક્ટર બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે

તેમ હાલ સુધીના સર્વે દ્રારા જાણી શકાયુ છે. હજુ અનેક વિસ્તારમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે, જે વહેલી તકે પુર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...