જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતી 17 વર્ષની તરૂણીએ પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે, જે મામલે સિક્કા પોલીસ તપાસ ચલાવે છે. બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના મુંગણી ગામમાં રામ મંદિર પાસે રહેતી મિતલબેન લખુભાઈ પરમાર નામની 17 વર્ષથી તરૂણી કે જેણે સોમવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લઇ આપઘાત કરી લીધો હતો.
જે બનાવ અંગે મૃતકના પિતા લખુભાઇ ડાયાભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તેણીએ કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું તે જાણવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે.
મૃતક તરૂણીના પિતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, જયારે મૃતકનું થોડા સમય પહેલાં સગપણ પણ થઈ ગયું હતું, તેથી પોલીસ દ્વારા તેના મંગેતર ને બોલાવીને પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તેણી મોબાઇલ વાપરતી ન હોવાથી તે દિશામાં કોઈ કાર્યવાહી થઈ શકી નથી. આમ બનાવના પગલે નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.