જામનગરમાં તીવ્ર પવનનો સિલસિલો યથાવત રહેતા ગરમીમાં લોકો રાહત અનુભવી રહ્યા છે. 24 કલાકમાં મહતમ તાપમાન 1 ડિગ્રી વધ્યું હતું. ભેજનું પ્રમાણ 78 ટકાએ પહોંચતા બફારોમાં ઘટાડો થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, પવનની નોંધપાત્ર ઝડપના કારણે બપોર બાદ શહેરીજનોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.
જામનગરમાં તેજીલા વાયરાઓના દોર વચ્ચે શુક્રવારે પૂરા થતા ચોવીસ કલાક દરમ્યાન 1 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. જામનગરમાં પખવાડિયાથી તેજીલા વાયરાઓનો દોર યથાવત રહ્યો છે. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 40 કીમીથી વધુ રહેવા પામી હતી. મીની વાવાઝોડા સમાન ફૂંકાતા ઝપાટાબંધ પવનના પગલે ઘરના બારી-દરવાજા ધ્રુજી ઉઠ્યા હતાં. જામનગરમાં શુક્રવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન 27 ડિગ્રીએ સ્થિર રહ્યુ હતું.
તેજીલા વાયરાઓના પગલે જનતાને ગરમીમાંથી રાહત મળી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78 ટકા રહ્યું હતું. જેના કારણે બફારો પણ ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. શહેરમાં છેલ્લાં પખવાડિયાથી મહતમ તાપમાનમાં વધારા-ઘટાડા વચ્ચે તીવ્ર ગતિએ પવન ફૂંકાતા લોકો ગરમીમાં રાહતનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રીના પવનના કારણે ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.