અકસ્માત:જામનગરમાં રખડતાં ઢોરે વધુ એક જીવ લીધો, એક્ટિવાને અડફેટે લેતાં વેપારીનું મોત

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષીને ચણ નાખવા જઇ રહેલાં વેપારીને ગાયે અડફેટે લીધા

જામનગરમાં રખડતાં ઢોરનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે ગતરોજ વધુ એક એક્ટિવા ચાલક વૃદ્ધને ગાયે અડફેટે લેતાં તેમનું કરૂણ મોત થયું છે. પક્ષીને ચણ નાખવા માટે જઈ રહેલા એક એક્ટિવા ચાલક વેપારી સાથે ગાય અથડાતાં નીચે પટકાઈ પડયા પછી હેમરેજ સહિતની ગંભીર ઇજા થતાં કરૂણ મૃત્યુ નિપજયું છે.

જામનગરમાં કિશાન ચોક મોદી વાડો વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ બાબુલાલભાઈ નંદા નામના 60 વર્ષના વેપારી પોતાનું એક્ટિવા લઈને તળાવની પાળે ગેટ નંબર 2થી 3 વચ્ચે આવેલા ચબુતરામાં પક્ષીઓને ચણ નાખવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક એક ગાય દોડી આવી હતી અને એક્ટિવા સાથે ટકરાઈ હતી. જેથી પ્રવીણભાઈ ભાઈ સ્કૂટર પરથી નીચે પટકાઈ પડયા હતા, અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થઇ હોવાથી તેઓનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું.

બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશ પ્રવીણભાઈ નંદાએ પોલીસને જાણ કરતાં સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...