તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીફરેલી ગાયનો શોકિંગ વીડિયો:જામનગરમાં મહિલા પર ગાયનો વિચિત્ર હુમલો, બે મિનિટ સુધી રસ્તા પર રગદોળી; 15 લોકોએ મહિલાનો માંડમાંડ જીવ બચાવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • માસૂમ બાળકી હિંમતભેર માતાને બચાવવા આગળ આવી
  • પુત્રીની હિંમત જોઈ અન્ય લોકો પણ મહિલાને બચાવવા દોડી આવ્યા

જામનગર શહેરમાં રખડતા પશુના આતંકની કોઈ નવી વાત નથી. ત્યારે આજે વધુ એક શહેરીજનો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. રખડતી ગાયે એક મહિલાને અડફેટે લઈ સતત બે મિનિટ સુધી ઢીંક ચડાવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 15 જેટલા લોકોએ માંડમાંડ કરીને મહિલાને ગાયની ચુંગાલમાંથી મુક્ત કરાવી જીવ બચાવ્યો હતો.

સતત ધમધમતા રણજીત રોડ પરનો બનાવ
જામનગર શહેરના સતત ધમધમતા રણજીતરોડ પર આવેલી ચૌહાણ ફળી શેરી નંબર 2માં આ બનાવ બન્યો હતો. રાજકોટમાં રહેતા કાશ્મીરાબેન ગોહિલ તેમના પિતાને ત્યાં આવ્યા હતા. આજે કાશ્મીરા બહેન પોતાના ઘર પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે જ એક ગાય તેની પાછળ પડી હતી. કાશ્મીરાબેને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, ગાયે તેને ઊંચકીને જમીન પર પટકાવી દીધા હતા. મહિલા સતત ઊભા થવાનો પ્રયાસ કરતા રહ્યા પણ થઈ ના શક્યા. સતત બે મિનિટ સુધી ગાયે ઢીંકે ચડાવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માતાને બચાવવા પુત્રીએ હિંમત દાખવી
નાની એવી શેરીમાં જ્યારે ગાયે મહિલાને અડફેટે લીધા ત્યારે શેરીમાં કોઈ લોકોની અવરજવર ન હતી. પોતાની માતા પર ગાયે હુમલો કર્યાની જાણ થતા પુત્રી દોડી આવી હતી અને માતાને ગાયની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો હિંમતભર્યો પ્રયાસ કર્યો હતો. ગાયે બે વાર પુત્રીને પણ ઢીંકે ચડાવી દૂર ફેંકી દીધી હતી.

15 લોકોએ માંડમાંડ મહિલાનો જીવ બચાવ્યો
ગાય સતત બે મિનિટ સુધી મહિલા પર હુમલો કરતી રહી, આ સમયે તેને બચાવવા માટ એક તેની પુત્રી જ ઘટનાસ્થળ પર હાજર હતી. જો કે, આ સમયે આ સમયે આસપાસથી અન્ય લોકો પણ આગળ આવ્યા હતા અને ગાયને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. 15 લોકોએ સાથે મળીને મહામહેનતે ગાયને મુક્ત કરાવી હતી.

મહિલાને સારવાર માટે ખસેડવામા આવી
ગાયના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મહિલાને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.

આ વીડિયો જોઈ મનપા સત્તાધીશો જાગશે ખરા?
જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ એ કોઈપણ નાગરિક માટે નવી બાબત નથી. શહેરનો કોઈપણ વિસ્તાર એવો નહીં હોય કે, જ્યાં રખડતા ઢોરનો ત્રાસ નહીં હોય. આ ત્રાસથી જામનગર મનપાના સત્તાધીશો અને અધિકારીઓ આંખ આડા કાન કરતું આવ્યું છે. તો બીજી તરફ લોકો અવારનવાર રખડતા ઢોરના ત્રાસનો ભોગ બનતા રહે છે. ત્યારે હવે તો મનપા પાસે રખડતા ઢોરના ત્રાસનો વીડિયોરૂપી આ પુરાવો છે. ત્યારે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે મનપા જામનગરવાસીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત ક્યારે કરશે?

અન્ય સમાચારો પણ છે...