ખનીજ માફિયાઓ પર તવાઈ:જોડીયા તાલુકાની ઊંડ નદીમાં ચાલતી બેફામ રેતી ચોરી પર સ્ટેટ વિજિલન્સ ત્રાટકી, સવા બે કરોડના સાધનો કબજે કર્યા

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોડીયા પીએસઆઈની રાતોરાત બદલી કરવી દેવામાં આવી

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનીજ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેથી ખનીજચોરોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સ્થળ પરથી જેસીબી મશીનો, ડમ્પર, લોડર મશીન, ખનીજ ચોરી કરેલા વાહનો, વગેરે સહિત 2.34 કરોડની માલમતા કબજે કરી લેવામાં આવી છે, અને જોડીયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચલાવાઈ રહી છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક આઇપીએસ અધિકારી આશિષ ભાટિયા દ્વારા તેમજ અધિક પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટરૂ, તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાય સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામની નદીના વિસ્તારમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં સ્ટેટ મોનીટરીંગ સેલને સામુહિક રીતે દરોડા પાડવા માટેની સુચના આપવામાં આવી હતી.

ઊંડ નદીમાં દિવસ-રાત રેતી ચોરી ચાલતી હતી
સૂચના અનુસાર આજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જોડિયા તાલુકાના બાદનપર ગામની સીમમાં ઊંડ-2 નદીના કિનારે દરોડા પાડયા હતા.જેમા જુદા જુદા સ્થળોએ બે લોડર મશીનો દ્વારા ડમ્પર તેમજ ટ્રેક્ટર માં સરકારી જગ્યા માંથી રેતી ભેગી કરીને કોઈપણ પ્રકારની ખાણ ખનીજ વિભાગની લીઝ ની મંજૂરી વગર બેફામ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

પોલીસ શું કબજે કર્યું?
જે માહિતીના આધારે સ્થળ પરથી 2 લોડર મશીન, 7 ડમ્પર જેમાં એકમાં ચોરાઉ રેતી ભરેલી હતી. તે ઉપરાંત ચાર ટ્રેક્ટર, જેમાં એક ટ્રેક્ટરમાં રેતી ભરેલી હતી. તેમજ મોટરસાયકલ, એન્જિન ઓઇલ મશીન, મળી કુલ 2,34,49,505 ની માલ મત્તા કબજે કરી લેવામાં આવી હતી, અને જોડીયા પોલીસ મથકમાં સુપરત કરી દેવામાં આવી છે. આ કાર્યવાહીને લઇને અને ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

જોડીયા પીએસઆઈની બદલી કરવામાં આવી
જોડીયાના કુન્નડ ગામમાં ખનીજ ચોરી પર વિજીલન્સનો દરોડો પડ્યા બાદ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ જોડીયા પી.એસ.આઇ ડી.પી. ચુડાસમાને જામનગરમાં સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકી દેવામાં આવ્યા છે અને સીટી-એ ડિવિઝન ના પી.એસ.આઇ કે.આર.સિસોદિયા ની જોડીયા ખાતે મુકવામાં આવ્યા છે

અન્ય સમાચારો પણ છે...