તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક કાર્યનો પ્રારંભ:જામનગરમાં ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ, પ્રથમ દિવસે 20 થી 25 ટકા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાયા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 45 શાળાઓ
  • ધોરણ 6 થી 8ના 5000 વધુ વિદ્યાર્થીઓ છે

જામનગર શહેરમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં આજે ગુરૂવારથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્ય બંધ હતું, જે લાંબા સમય બાદ આજથી ઓફલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. જામનગરમાં ધોરણ 6 થી 8ના 5000 વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રથમ દિવસે 20 થી 25 ટકા વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા.

વાલી પાસેથી સંમતિ પત્ર મેળવવો જરૂરી

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની બીજી લહેરની શરૂઆતથી જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક વિદ્યાર્થીઓને અગવડતા પડી હતી. જોકે, હવે ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. જેથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલી પાસેથી સંમતિ પત્ર મેળવી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

શાળામાં આવતા વિદ્યાર્થીઓને સેનીટાઇઝર, માસ્ક અને ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળામાં પ્રવેશ કરતા પહેલા વિદ્યાર્થીઓએ વાલીઓ પાસેથી સંમતિ પત્ર લઇ શાળામાં આપવાનું રહે છે, ત્યારબાદ જ અભ્યાસ માટે શાળામાં પ્રવેશ કરી શકે છે. ત્યારે સરકારની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન કરી શાળાઓ દ્વારા ફરી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

વરસાદી માહોલ વચ્ચે પણ વિદ્યાર્થીઓ આવ્યાં

ચંદ્રકાંત ખાખરીયા, આચાર્ય
ચંદ્રકાંત ખાખરીયા, આચાર્ય

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 46ના આચાર્ય ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની શિક્ષણ વિભાગની સૂચનાથી જામનગરમાં ધોરણ 6 થી 8નું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થયું છે. સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તહેવારો અને વરસાદી માહોલ વચ્ચે પણ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શિક્ષણ કાર્યમાં જોડાયા છે.

બાળકો અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ

વૈશાલીબેન શેઠ, શિક્ષક
વૈશાલીબેન શેઠ, શિક્ષક

શિક્ષિકા વૈશાલીબેન શેઠ જણાવ્યું હતું કે, આજથી અમે બાળકોનું ઓનલાઈન શિક્ષણની સાથે સાથે ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કર્યું છે. બાળકોને ઓનલાઇન શિક્ષણ કરતા ઓફલાઈન શિક્ષણમાં ભણવાની મજા આવે છે. તેમજ તેઓએ જણાવ્યું કે, બાળકો અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને બાળકો ઉત્સાહપૂર્વક આજે ગુરૂવારે અભ્યાસ કરવા માટે આવ્યા હતા.

દોઢ-બે વર્ષ બાદ સ્કૂલ ફરી શરૂ

જાનવીબા રાઠોડ, વિદ્યાર્થી
જાનવીબા રાઠોડ, વિદ્યાર્થી

રાઠોડ જાનવીબા નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ કરતા ઓફલાઈન શિક્ષણમાં મજા આવે છે. દોઢ-બે વર્ષ બાદ આજે અમે સ્કૂલે આવ્યાં છીએ અમને ઓફલાઈન શિક્ષણમાં વધારે મજા આવે છે.

અન્ય સમાચારો પણ છે...