સ્ટેન્ડીંગ કમિટિની બેઠક:જામનગરના લાલપુર બાયપાસ નજીક ઓવરબ્રિજ બનાવવા માટે રૂ.65 કરોડના ખર્ચેની સ્ટેન્ડિંગ કમિટીએ સિદ્ધાંતિક મંજૂરી આપી

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેયર અને કમિશ્નરને નવી ઈનોવા કાર આપવા માટે પણ 50.04 લાખના ખર્ચની દરખાસ્તને મંજૂર કરવામાં આવી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની આજે બેઠક મળી હતી. જેમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.4.63 કરોડ તેમજ રૂ.65 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં લાલપુર બાયપાસ નજીક ફોરલેન ફલાયઓવરબ્રીજના કામનો પણ સમાવેશ થાય છે. તેમજ મેયર અને કમિશ્નરની કાર જૂની થઈ ગઈ હોવાથી આગામી દિવસોમાં નવી ઈનોવા કાર ખરીદવા માટે કમિશ્નર દ્વારા 50.04 લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી હતી જે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મનિષ કટારીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 11 સભ્ય તેમજ મેયર બિનાબેન કોઠારી, મ્યુ. કમિશ્નર વિજય કુમાર ખરાડી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતાં.

શહેરમાં ભૂગર્ભ ગટર બોક્સ ગટરની સફાઈ કામગીરી માટે પાવર મશીન દ્વારા સફાઈ કરવા માટે વાર્ષિક રૂ.25.17 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસને કામ માટે વોર્ડ નંબર 2,3 અને 4 માટે વાર્ષિક રૂ.5.70 લાખ, વોર્ડ નંબર 10,11 અને 12 માટે વાર્ષિક રૂ.5.92 લાખ, વોર્ડ નંબર 1, 6 અને 7 માટે વાર્ષિક રૂ.6.50 લાખ, વોર્ડ નંબર 5,9,13 અને 14 માટે વાર્ષિક રૂ.6.96 લાખ, વોર્ડ નંબર 8, 15 અને 16 માટે વાર્ષિક રૂ5.75 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

વોટર વર્કસ શાખા હસ્તકના જામનું ડેરૂ, તથા પાબારી ઝોન વિસ્તાર, સ્ટ્રેન્ધીનીંગ ઓફ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઈપ લાઈન નેટવર્કના કામ માટે વાર્ષિક રૂ.10.15લાખ, તેવી જ રીતે સમર્પણ ઝોન વિસ્તાર માટે વાર્ષિક રૂ.10.94 લાખ, જ્ઞાન ગંગા ઝોન વિસ્તાર માટે રૂ.3.16 લાખ, ગોકુલનગર ઝોન વિસ્તાર માટે રૂ.8.86 લાખ, ગુલાબનગર ઝોન વિસ્તાર માટે વાર્ષિક રૂ.10.70 લાખ, રવિ પાર્ક ઝોન વિસ્તાર માટે રૂ.8.03 લાખ, મહાપ્રભુજી બેઠક વિસ્તાર માટે રૂ. 6.37 લાખ, અને રણજીતનગર ઝોન વિસ્તાર માટે વાર્ષિક રૂ.9.86 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શેહરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત ભૂગર્ભ ગ્રાન્ટ શાળાના વેસ્ટ ઝોન હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારમાં હૈયાત અને કાર્યરત હોય તેવા ભૂગર્ભ ગટરના નેટવર્કના મજબુતિ કરણ અને વિસ્તૃતિકરણ કામ માટે વાર્ષિક રૂ.40.95 લાખ, સાઉથ ઝોન માટે વાર્ષિક રૂ.40.95 લાખ મંજૂર કરવામાં આવ્યા હતાં

શહેરમાં વોર્ડ નંબર 5,9, 13અને 14માં મેટલ મોરમ અને ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવા માટે વાર્ષિક રૂ.9.54 લાખ, વોર્ડ નંબર 2,3ને 4 માટે વાર્ષિક રૂ.9.90 લાખ, નવા વોર્ડ નંબર 8,25 અને 26માં વાર્ષિક રૂ.11.47 લાખ, વોર્ડ નંબર 1,7અને7 માટે વાર્ષિક રૂ.10.95 લાખ તેમજ વોર્ડ નંબર 10,11અને 12 માટે વાર્ષિક રૂ.11.12 લાખનો વાર્ષિક ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી બે દરખાસ્તો રજૂ થતા તેને મંજૂરી અપાઈ હતી. જેમાં લાલપુર બાયપાસ જંકશન ઉપર ફલાયઓવરબ્રીજ રૂ. 65 કરોડના ખર્ચે બનાવવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

દ્વારકા, રાજકોટ અને જામનગર, લાલપુર રોડ ઉપરાંત જીઆઈડીસીમાં ભારે ટ્રાફિકના કારણે તેમજ આશરે 500 થી વધુ જેટલા કારખાનામાં દરરોજ એકાદ લાખ લોકોની અવરજવરના કારણે થતા ટ્રાફિક જામ અને અકસ્માતના નિવારણ માટે રૂ.65 કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રીજ બનાવવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ માટે ખાસ ગ્રાન્ટની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત વોર્ડ નં.7 માં મહાલક્ષ્મી બંગ્લોઝ વિસ્તાર વોર્ડ નં.15માં ગ્રીનસિટી વિસ્તાર, વોર્ડ નં. 1માં મીલ વિસ્તાર અને વાલસુરા પાસે સીવર કલેક્શન નેટવર્ક (ભૂગર્ભ ગટર) બનાવવા માટે રૂ 1 કરોડ 54લાખના ખર્ચને મંજુરી અપાઈ હતી.

મેયર અને કમિશ્નરની કાર જૂની થઈ ગઈ હોય જેથી રેકોર્ડ પણ નિયમ મુજબ તેને બદલાવી જામનગરના મેયર મીનાબેન કોઠારી અને કમિશનર વિજય ખરાડી માટે આગામી દિવસોમાં નવી ઈનોવા કાર ખરીદવા માટે કમિશ્નર દ્વારા 50.04 લાખના ખર્ચની દરખાસ્ત કરવામાં આવી હતી જે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે.

મેયર અને કમિશ્નરની પાસેની ઈનોવા કાર છે તે જૂની થઇ ગઇ હોવાના કારણે એક લાખથી વધુ કિલોમીટર ચાલી ગઈ હોવાથી કાર બદલાવાની જરૂર પડી છે તેવું જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયાએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની નવી કાર માટે વાત કરીએ તો 5 મહિના પહેલા વિપક્ષ નેતા આનંદ રાઠોડને પણ નવી કાર મળી હતી. હવે ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને નવી ઈનોવા કાર 50.04 લાખના ખર્ચે મળશે.

અન્ય સમાચારો પણ છે...