ખેતરમાં ઉભો પાક કેમ બચાવશો?:‘1 વિઘાના પાકમાં 1 કિલો જૈવિક પધ્ધતિથી ટ્રાયકોડર્મા પાઉડર છાંટો, પિયત ટાળો’, માવઠાની આગાહી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગર યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી ઢાંકવા દાેડધામ મચી - Divya Bhaskar
જામનગર યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી ઢાંકવા દાેડધામ મચી
  • ભાસ્કરે કરી કૃષિ વિશેષજ્ઞ સાથે સીધી વાત
  • ભર શિયાળે વાદળોના કારણે ચોમાસાના માહોલથી પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતા

રાજયના હવામાન વિભાગ દ્વારા જામનગર સહિત રાજયભરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે જામનગર શહેર-જિલ્લામાં સવારથી વાદળોના કારણે ચોમાસાના માહોલથી ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે. કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને કેમ બચાવવો તે અંગે દિવ્યભાસ્કરે જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ અને સીનીયર સાયન્ટીસ્ટ કાંતિભાઇ બારૈયા સાથે વાતચીત કરી હતી.

જેમાં તેમણે માવઠાથી પાકને બચાવવા 1 વિધાના પાકમાં 1 કિલો ટ્રાયકોડર્મા પાવડર જૈવિક પધ્ધતિથી છાંટી પિયત ટાળવા જણાવ્યું હતું. બીજી બાજુ જામનગર માર્કેટ યાર્ડમાં બે દિવસ પહેલાં એક સાથે મગફળીની 36,000 ગુણીની આવક થઇ હતી. આથી મોટા ભાગની મગફળી ખુલ્લામાં પડી છે. ત્યારે માવઠાની આગાહીથી મગફળી ઢાંકવા વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. અમુક વેપારીઓએ મગફળી પલળે નહીં તે માટે તાલપત્રી દ્વારા મગફળી ઢાંકી છે.

સમય સૂચકતાથી પાકને સુરક્ષિત રાખી શકાય છે
રાજયના હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે ત્યારે ખેતરોમાં ઉભા ચણા, કપાસ સહિતના પાકને બચાવવા સમય સૂચકતા વાપરીને જરૂરી દવા, પાઉડર છાટવાથી તથા પિયત આપવાનું હાલ પૂરતું ટાળીને તથા ખેતરોમાં પડેલા તૈયાર પાકને ઢાંકીને બચાવી શકાય છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડ અને સિનિયર સાયન્ટીસ્ટે જણાવી પાકને બચાવવાની ફોર્મ્યુલા

પ્રશ્ન: માવઠું થાય તો કયાં-કયાં પાકમાં રોગ આવી શકે છે?

જવાબ: કમોસમી વરસાદ થાય તો જીરૂ, ધાણા, વરિયાળી, લસણ, ડુંગળી, મેથી, ચણા, કપાસમાં રોગ આવવાની શકયતા ખૂબ જ વધારે છે.

પ્રશ્ન: માવઠું થાય અને પાકમાં રોગ આવે તો શું કરવું?

જવાબ: જીરૂ, ધાણા, વરિયાળી, ચણા સહિતના પાકમાં માવઠાના પગલે થતો રોગ અટકાવવા કાર્બેન્ડીયમ 20 ગ્રામ પંપમાં નાંખીને છંટકાવ કરવો જોઇએ.

પ્રશ્ન: મગફળી ખેતરમાં તૈયાર પડી હોય તો શું કરવું?

જવાબ: મગફળીના ખરા અથવા ખેતરમાં તૈયાર પડી હોય તો પલળે નહીં તે રીતે ઢાંકીને રાખવી જોઇએ.

પ્રશ્ન: પાકમાં રોગથી નુકસાન ન થાય તે માટે શું કરવું જોઇએ?

જવાબ: પાકમાં રોગથી નુકસાન ન થાય તે માટે જૈવિક પધ્ધતિ દ્રારા ટ્રાયકોડર્મા પાઉડર 1 વિધામાં 1 કીલો ગ્રામ પ્રમાણે આપવું જોઇએ.

પ્રશ્ન: માવઠાની આગાહી છે તો પાકને પિયત આપવું જોઇએ?

જવાબ: માવઠાની આગાહી છે ત્યાં સુધી પાકને પિયત આપવાનું હાલ પુરતું ટાળવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...