રાષ્ટ્રીય શાયરના જીવન પર વ્યાખ્યાન:જામનગરમાં રવિવારે "ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય રંગના કવિ" વિષય પર વિશેષ વ્યાખ્યાન, સંગીત પ્રેમી જનતા માટે લોક સંગીતનો કાર્યક્રમ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝવેરચંદ મેઘાણીના યોગદાનને અંકિત કરતાં પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાશે

જામનગરના લાખોટા કોઠા સ્થિત પુરાતત્વીય સંગ્રહાલય મ્યુઝિયમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના સંદર્ભમાં આગામી તારીખ 12-6-2022ને રવિવારના સાંજે 6.30 કલાકે "ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય રંગના કવિ" વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સુરભી વૃંદ દ્વારા ઝવેરચંદ મેઘાણીની ધરોહર સંલગ્ન લોકસંગીતનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથોસાથ તેઓના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું છે.

જામનગર લાખોટા કોઠા સ્થિત આવેલી પુરાતત્વીય સંગ્રહાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, તે અંતર્ગત સંખ્યાબંધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આગામી રવિવાર અને 12 મી જૂને સાંજે 6.:30 વાગ્યે 'શ્રી ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય રંગના કવિ' વિષય પર સતિષચંદ્ર વ્યાસ "શબ્દ" દ્વારા વિશેષ વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાથોસાથ પ્રખ્યાત સુરભી વૃંદ દ્વારા ઝવેરચંદ મેઘાણીની ધરોહર સંલગ્ન લોકસંગીતની રજૂઆતોનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે અને તેઓના પુસ્તકોનું પ્રદર્શન પણ રખાયું છે.

રવિવારે સાંજે 6:30 વાગ્યે જામનગરની જનતાને નિશુલ્ક પ્રવેશ અપાશે. લાખોટા તળાવના ગેટ નંબર -5 એન્ટરન્સ લોંન્જ પુરાતત્વીય સંગ્રહાલયમાં પ્રવેશ આપીને ત્યાં લોક સંગીતનો કાર્યક્રમ તેમજ વ્યાખ્યાન યોજાશે. જેનો સર્વે જનતાએ લાભ લેવા જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલ હિંગલાજીયાએ અપીલ કરી છે.

ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રતિભાનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી તેમને "સાહિત્યયાત્રી", "કસુંબલ રંગ ના ગાયક", "લોકસાહિત્યનો મત મોરલો", "સોરઠી સાહિત્યકાર" જેવા ઉપનામથી નવાજવામાં આવ્યાં હતા.

સ્વતંત્રતા સંગ્રામ વખતે તેઓના દેશભક્તિ કાવ્યોની રજૂઆત સાંભળીને ગાંધીજીએ તેઓને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું, આથી તેમના યોગદાનને અંકિત કરતાં પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવેલું છે. જેથી જામનગરના પુરાતત્વીય સંગ્રહાલય દ્વારા જામનગરની જનતાને રાષ્ટ્રીયતાના કવિ અને સૌરઠી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના આ વિશેષ કાર્યક્રમમાં ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.

અન્ય સમાચારો પણ છે...