જામનગર શહેર અને જિલ્લામાંથી નશીલા પદાર્થની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા છતાં પણ નશીલા પદાર્થની હેરાફેરી અટકતી નથી. દરમિયાન ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતી વૃધ્ધાના ઘરમાંથી એસઓજીની ટીમે રેઈડ દરમિયાન 390 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી નશીલા પદાર્થોનું વેંચાણ કરતાં હોવાની અનેક ઘટનાઓ બની રહી છે અને પોલીસ આ ગુનાખોરીને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરી રહી છે. તેમ છતાં નશીલા પદાર્થોનું વેંચાણ કરતી ઘટનાઓ અટકતી નથી અને સમયાંતરે ગેરકાયદેસર વેચાણ સ્થળે દરોડા પડે છે. દરમિયાન વધુ એક દરોડાની વિગત મુજબ જામનગરના ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતી વૃદ્ધા તેના ઘરે ગાંજાનું વેચાણ કરતી હોવાની એસઓજીના અરજણ કોડિયાતર અને ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ બી.એન.ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમાર તથા ટીમ દ્વારા રેઈડ દરમિયાન ઘાંચીની ખડકી બહાર વહેવારિયા મદ્રેસા પાસે ઢોકડ કાડો વિસ્તારમાં રહેતાં નિયામતબહેન ગુલમામદ ઈસ્માઇલ શેખ (ઉ.વ.65) નામના વૃધ્ધાના મકાનમાંથી એસઓજીની ટીમે રેઈડ દરમિયાન રૂા.3900 ની કિંમતનો 390 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો અને 1130 ની રોકડ સહિત રૂા.5030 નો મુદ્દામાલ કબ્જે કરી વૃદ્ધાની ધરપકડ કરી હતી
એસઓજીની ટીમે ગાંજા સાથે ઝડપાયેલ વૃદ્ધાની પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતાં અલ્તાફ ઉર્ફે શેરો નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફીયત આપી હતી. જેના આધારે એસઓજીની ટીમે બે શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી અલ્તાફની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.