દોડધામ મચી:જામનગરના પાંચ હાટડીમાં ઇદની પૂર્વ રાત્રીએ સોડા-બાટલીઓ ઉડી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દોડી જઇ મામલે થાળે પાડયાે : કોઇએ પોલીસ ફરિયાદ ન કરી

જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં સોમવારે રાત્રે બે બાળકો વચ્ચે મનદુ:ખ થયા બાદ સોડા-બાટલીઓ આમને-સામને ઉડતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવ મોટુ રૂપ ધારણ ન કરે તે પૂર્વે પોલીસે સ્થિતિ થાળે પાડી હતી.

જામનગરમાં સોમવાર રાત્રે કાલાવડ નાકા બહાર આવેલા પાંચ હાટડી ચોક ખાતે અચાનક વાતાવરણમાં તંગદીલી પ્રસરી ગઇ હતી. બે છોકરાઓ વચ્ચે થયેલ બોલાચાલી બાદ સામ-સામે સોડા-બાટલીના છુટા ઘા થતા દોડધામ મચી જવા પામી હતી. પાંચ હાટડી ચોકમાં મોટો ઝઘડો થયો હોવાની અફવા ફેલાઇ જતા સીટી એ ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તંગ બની ગયેલ સ્થિતિ થાળે પાડી એકત્ર થયેલ ટોળા વિખેર્યા હતા.

સોમવાર મોડી રાત્રે ઇદના તહેવારની વાત હોવાથી ધાર્મિક ઉત્સવની ઉજવણીનો માહોલ જામ્યો હતો ત્યારે બે છોકરાઓ વચ્ચે કોઇ બાબતને લઇને સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બન્ને પક્ષે સામ-સામે સોડા-બાટલીઓના ઘા થયા હતા. જો કે આ બનાવમાં કોઇને ઇજા પહોંચી ન હતી અને પોલીસે મામલો થાળે પાડયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવામાં ન આવી હતી.

અન્ય સમાચારો પણ છે...