મોબાઇલ ચોરીઓનો પર્દાફાશ:જામનગરના દરેડમાંથી 26 મોબાઇલ સાથે તસ્કર ઝડપાયો, મકાનોના ખુલ્લા દરવાજા-બારીઓનો લાભ લઇ ચોરી આચરતો હતો

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચકોશી બી ડિવિઝન પોલીસે કુલ રૂપિયા એક લાખની કિંમતના ફોન સાથે શખ્સને ઝડપ્યો

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મોબાઈલ ચોરીનો ઉપદ્રવ વધી ગયા પછી પંચકોશી બી ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જેના અંતે પોલીસે દરેડ વિસ્તારમાંથી એક તસ્કરને રૂપિયા એક લાખની કિંમતના 26 મોબાઇલ ફોન સાથે પકડી પાડ્યો છે. જેણે એક વર્ષ દરમિયાન તમામ મોબાઇલની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

પંચકોશી બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે વોચ ગોઠવી હતી
જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતાં શ્રમિકોના ખુલ્લા રહેણાંક મકાનોમાં અથવા તો બારીમાં હાથ નાખીને મોબાઈલ ફોનની વારંવાર ચોરી થઇ જતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે ખાસ કરીને ઉનાળામાં આ સમયગાળા દરમિયાન શ્રમિકો મકાનના દરવાજા ખુલ્લા રાખીને સુતા હોય છે, જેનો લાભ ઉઠાવીને તસ્કરે મોબાઇલ ફોનની ચોરી આચરી હતી. જેમાં ફરિયાદના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસના એ.એસ.આઇ માહિપાલસિંહ જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજા એ રાત્રિ દરમિયાન વોચ ગોઠવી હતી.

આરોપીના કબ્જામાંથી 26 ફોન મળી આવ્યા
આ વોચ દરમિયાન મૂળ રાજકોટના વતની અને હાલ દરેડમાં રહેતા સંજય ઉર્ફે કારો ભીમજીભાઇ મકવાણા નામનો શખ્સ પોલીસના સકંજામાં આવી ગયો હતો. જેની પૂછપરછ કરતાં તે પોતે મોબાઇલ ચોરી કરવા માટે આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેના કબજામાંથી 26 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસની ધનિષ્ઠ પૂછપરછ દરમિયાન અને તેની ઘરની ઝડતી દરમિયાન કુલ 26 નંગ જુદી જુદી કંપનીના ચોરાઉ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

મોબાઇલોના માલિકોને શોધવા કવાયત શરૂ
આ તમામ મોબાઇલ ફોન તસ્કરે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન દરેડની શ્રમિક વસાહતમાંથી તેમજ જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાંથી ચોરી કરીને મેળવેલા હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે કુલ રૂપિયા એક લાખની કિંમતના મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા અને તેના માલિકને શોધવાની કવાયત શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...