જામનગર શહેરને વર્ષોથી કનડતી ટ્રાફીક સમસ્યાના ઉકેલ માટે ફલાય ઓવરબ્રીજનું કામ શરૂ થયું છે ત્યારે શહેરના મહત્વના 6 પોઇન્ટ પર સિગ્નલ પ્રમાણે ટ્રાફીકનું સંચાલન યોગ્ય રીતે થઇ રહ્યું છે કે કેમ તે અંગે દિવ્ય ભાસ્કરની ટીમે સવારે 11 થી 12 ના પીક અવર્સમાં રિયાલીટી ચેક કર્યું હતું. બેડીગેઇટ અને સ્મશાન ચોકડી પોઇન્ટ પર ટ્રાફીક પોલીસ અને બિગ્રેડના જવાનો સાઇડમાં બેસેલા જોવા મળ્યા હતાં. અંબર ચોકડી પર સિગ્નલો બંધ હતાં. જી.જી.હોસ્પિટલ અને ગુરૂદ્વારા ચોકડી પર સિગ્નલ પ્રમાણે સંચાલન થતું હતું.
જનતા ફાટક પોઇન્ટ પર કોઇ જવાન જોવા મળ્યા ન હતાં. ટ્રાફિક પોઇન્ટ પર એક જ સ્થળે ટ્રાફીક બ્રિગેડના જવાનો બેસેલા જોવા મળ્યા હતાં, તદ્દઉપરાંત અમુક જવાનો તો ટ્રાફિક હાેવા છતાં મોબાઇલમાં મસગુલ રહ્યા હતાં. ટ્રાફિક સિગ્નલો શરૂ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ટ્રાફીક પોઇન્ટ પર સિગ્નલ બંધ જોવા મળ્યા હતાં. જેના કારણે ટ્રાફિક બ્રિગેડના જવાનો અને પોલીસને મેન્યુઅલ સંચાલની ફરજ પડી રહી છે.
ટ્રાફીકના કારણે વેપારીઓને પડતી સમસ્યા જાણવાની મથામણ કરી હતી. જેમાં વેપારીઓએ સાઇડ ખૂલવાનો ટૂંકો સમય હોય એક જ વખતમાં તમામ વાહનો નીકળી શકતા ન હોય, માર્ગો પર વાહન પાર્કિંગના કારણે ટ્રાફીક સમસ્યા હળવી થવાને બદલે વકરતા દુકાન પર ગ્રાહકો ન આવતા ધંધા-રોજગારને ખુબ જ માઠી અસર પડી રહી હોવાનું જણાવ્યું હતું.
જામનગરના શહેરના હાર્દ સમાન બેડી ગેઇટ ટ્રાફીક પોઇન્ટ પર ટ્રાફીક બ્રિગેડના જવાનો છત્રીમાં એકસાથે બેસેલા જોવા મળ્યા હતાં. આથી સિગ્નલો ચાલુ હોવા છતાં વાહનચાલકો પોતાની રીતે માર્ગો પરથી પસાર થતાં જોવા મળ્યા હતાં. આટલું જ નહીં બે સાઇડ તો બંધ કરવામાં આવતી ન હતી. પરંતુ ભાસ્કરની ટીમને જોતાં જ ટ્રાફીક બ્રિગેડના જવાનો ચારેય પોઇન્ટ પર ગોઠવાઇ ગયા હતાં અને સિગ્નલ પ્રમાણે ટ્રાફીક સંચાલન શરૂ કર્યું હતું.
જામનગરમાં જે પોઇન્ટ પર સતત ટ્રાફીક રહે છે તે સ્મશાન ચોકડી પોઇન્ટ પર ટ્રાફીક બ્રિગેડના ફકત ત્રણ જવાનો હતાં. તે ત્રણેય માર્ગની સાઇડમાં ઉભા હતાં. આથી આ પોઇન્ટ પર સિગ્નલો ચાલુ હોવા વાહનચાલકો પોતાની મરજી મુજબ માર્ગો પરથી આવાગમન કરતા હતાં. પરંતુ ભાસ્કરની ટીમ પહોંચતાની સાથે ટ્રાફીક બ્રિગેડના જવાનો પોઇન્ટ પર ગોઠવાઇ ગયા હતાં અને સિગ્નલ મુજબ ટ્રાફીકનું સંચાલન શરૂ કર્યું હતું.
સિગ્નલ ચાલુ પણ કોઇ જવાનો ફરજ પર નહીં
જનતા ફાટક પોઇન્ટ પર સિગ્નલ ચાલુ છે. પરંતુ ટ્રાફીક બ્રિગેડના કોઇ જવાનો જોવા મળ્યા ન હતાં. આથી ટ્રાફીક સંચાલન રામભરોસે ચાલી રહ્યું હતું. સિગ્નલ ચાલુ હોવા છતાં શહેરીજનો દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી. જો કે, સાત રસ્તા તરફથી ઉધોગનગર તરફનો માર્ગ પહોળો હોવાને કારણે ટ્રાફીક સમસ્યામાં રાહત જોવા મળી હતી. આ માર્ગ ઉધોગનગર જવા માટે ઉપયોગી હોય જનતા ફાટક પર સિગ્નલ પ્રમાણે ટ્રાફીક નિયમન જરૂરી બન્યું છે.
અહિંયા બ્રિજ બને તો જ ટ્રાફિક સમસ્યા હળવી થાય
જી.જી.હોસ્પિટલ ટ્રાફીક પોઇન્ટ પર સિગ્નલ ચાલુ હોય અને ટાઇમર મુજબ ટ્રાફીકનું સંચાલન થઇ રહ્યું છે. પરંતુ ડીકેવીથી અંબર સિનેમા અને અંબર સિનેમાથી ડીકેવી તરફના માર્ગ પહોળો હોવા છતાં સાઇડ ખુલ્યા બાદનો સમય ઓછો હોવાથી એક જ વખતમાં તમામ વાહનચાલકો પસાર થઇ ન શકતા બંને બાજુ વાહનોની કતારો રહે છે. જેના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આ માર્ગ પર જી.જી.હોસ્પિટલ પાસે ઓવરબ્રીજ કે પુલ બનાવવો જરૂરી છે.
ગુ઼રૂદ્રારા ચોકડી
સિગ્નલ હોવા છતાં ટ્રાફિક
ગુરૂદ્રારા ચોકડી પર સિગ્નલ પ્રમાણે ટ્રાફીક સંચાલન થાય છે. 114 સેકન્ડ બાદ સાઇડ ખુલ્યા બાદ 35 સેકન્ડ ખુલી રહેતા જી.જી.થી ગુરૂદ્રારા અને ગુરૂદ્રારાથી જી.જી. તરફ એક વખતમાં તમામ વાહનો ન નીકળતાં ટ્રાફીકની સમસ્યા રહે છે. આથી ટાઇમર વધારવાની જરૂર છે.
દુકાન પાસે જગ્યા રહેતી નથી
સાઇડ બંધ થતાં વાહનોની કતારોને કારણે દુકાન પાસે ચાલવાની જગ્યા રહેતી નથી. ગ્રાહકો આવતા નથી. ઉચ્ચાધિકારીઓ નીકળતા હોવા છતાં સમસ્યા ઉકેલાતી નથી. - યોગેશભાઇ ભટ્ટ, વેપારી.
સાંકડો માર્ગ, એમાં બેરિકેડ
સાઇડ ખુલતા એકવખતમાં તમામ વાહનચાલકો નીકળી ન શકતા માર્ગ ઓળંગવો મુશ્કેલ બન્યો છે. એક તો સાંકડો માર્ગ છે તેમાં બેરીકોડ મૂકતા મુશ્કેલી બેવડાઇ છે. ગ્રાહકો આવતા નથી. વાહનો પાર્ક કરવા જગ્યા નથી. - શીરીષભાઇ રાવલ, વેપારી, જામનગર
સ્મશાન ચોકડી
સિગ્નલ ચાલુ, સંચાલન બંધ
સ્મશાન ચોકડી પર સિગ્નલ અને ટાઇમર પણ છે છતાં તે મુજબ ટ્રાફીક જવાનો ટ્રાફીકનું સંચાલન થતું નથી. વાહનોનું આવાગમન વધે તો જ જવાનો ટ્રાફીકનું સંચાલન કરે છે. બહારગામના વાહનચાલકો સિગ્નલ મુજબ વાહન ઉભા રાખે છે. પરંતુ શહેરીજનો ઉભા રહેતા નથી.
બહારગામના જ પાલન કરે છે
બહારગામના ચાલકો સિગ્નલ મુજબ વાહનો ઉભા રાખે છે, શહેરીજનો પાલન કરતા નથી. આવાગમન ઓછું હોય ત્યારે સંચાલન થતું ન હોવાથી ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે. - વિપુલભાઇ ગોંડલીયા, વેપારી.
દુકાનમાં ગ્રાહક આવતા નથી
સિગ્નલ કાર્યરત ન હતાં ત્યારે ટ્રાફીકનું સંચાલન થતું હતું. સિગ્નલ ચાલુ થતાં સાઇડ ખુલતા એકસાથે વાહનચાલકો નીકળી ન શકતા કતારોને કારણે ભારે મુશ્કેલી પડી રહી છે અને ગ્રાહકો આવતા નથી. - દિપકભાઇ ખાખરિયા, વેપારી, જામનગર.
બેડી ગેઇટ
સિગ્નલ ચાલુ, ટાઇમર નથી
બેડી ગેઇટ ટ્રાફીક પોઇન્ટ પર સિગ્નલ ચાલુ છે પરંતુ ટાઇમર નથી. ટ્રાફીક બ્રિગેડના જવાનો મનસ્વી રીતે કામગીરી કરતા અને ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા હતાં અને બે સાઇડ તો બંધ કરાવાતી જ નથી વાહન પાર્કિંગ સૂચારૂં રીતે કરાવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હળવી બને.
ટ્રાફિક સમસ્યા વકરી છે
છેલ્લાં 20 દિવસથી ટ્રાફીક સિગ્નલ ચાલુ થયા છે. પરંતુ નો પાર્કીંગનું બોર્ડ ન હોવાથી લોકો ગમે તે રીતે વાહનો પાર્ક કરે છે. આ સ્થિતિમાં સાઇડ બંધ રહેતા ટ્રાફીક સમસ્યા વકરી રહી છે. જેના કારણે ગ્રાહકો આવતા નથી. - જસ્મીન ગુઢકા, વેપારી.
ધંધા પર પડી માઠી અસર
સાઇડ ખુલવાનો સમય ટૂંકો રહેતા એકસાથે તમામ વાહનચાલકો નીકળી શકતા નથી. આથી દુકાન પાસે સતત ટ્રાફીક રહે છે. જેના કારણે ગ્રાહકો આવતા નથી. આથી ધંધાને માઠી અસર થઇ રહી છે. - જગદીશભાઇ કુંડલીયા, વેપારી, જામનગર
અંબરચોકડી
સિગ્નલ બંધ, મેન્યુઅલી સંચાલન
અંબર ચોકડી પર સિગ્નલ બંધ છે. મેન્યુઅલી સંચાલન ટ્રાફીકનું જવાનો કરી રહ્યા છે. માર્ગો પહોળા હોવાથી ટ્રાફીકમાં રાહત રહે છે. જી.જી. તરફનો અને ડીએસપી બંગલા તરફનો માર્ગ બંને એકસાથે ખુલે તો ટ્રાફીક સમસ્યા વધુ હળવી બને.
બંને સાઇડ જ ઓપન રાખો
અમુક સમયે એક-એક સાઇડ ખોલવામાં આવતા ટ્રાફીક જામ થાય છે. ખાસ કરીને હોસ્પિટલ રોડથી ઇન્દીરા માર્ગ પર જતા ચાલકોને પણ પસાર થવામાં મુશ્કેલી રહે છે. આથી બંને સાઇડ ઓપન થાય તો વધુ રાહત રહે. - વિરેન્દ્રભાઇ દોશી, વેપારી, જામનગર.
સમયાંતરે ટ્રાફિક જામ
મેન્યુઅલી ટ્રાફીક નિયમન થાય તો વાહનોની અવર જવર વધુ વ્યવસ્થિત રીતે થઇ શકે. ખાસ કરીને સવારે 11 થી 1 અને સાંજે 6 થી 8 સુધી પીકઅપ અવર્સમાં વધુ ટ્રાફીકના પગલે સમયાતંરે ટ્રાફીક જામ જોવા મળે છે. - ભરતભાઇ ગાંધી, વેપારી, જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.