જામનગર શહેર જિલ્લામાં તસ્કરોએ અવિરતપણે તરખાટ મચાવતા સતત ત્રીજા દિવસે જામજોધપુરના સમાણા અને ગોપ પંથકમાં ત્રાટકેલા તસ્કરો ચાર લાખથી વધુની માલમતાનો હાથફેરો કરી ગયાના બનાવ સામે આવ્યા છે. સમાણામાં જવેલર્સ પેઢીમાં ત્રાટકેલા તસ્કર રોકડ અને દાગીના સહિત રૂ.3.38 લાખની મતા ચોરી ગયા હતા.
જામનગર શહેર બાદ ધ્રોલમાં ત્રાટકેલા તસ્કરોએ ઘરફોડીના જુદા જુદા બનાવને અંજામ આપ્યો હતો જે બાદ જામજોધપુર પંથકમાં પણ સક્રિય બનેલા તસ્કરોએ જુદા જુદા બે સ્થળેથી માતબર માલમતાનો હાથફેરો કરી ગયાનુ સામે આવ્યુ છે. સમાણા ગામે રહેતા અને જવેલર્સ પેઢી ધરાવતા અતુલભાઇ સુભાષભાઇ ભીંડીની અતુલ જવેલર્સ નામની દુકાનમાં ગત તા. 3ના મોડી રાત્રી દરમિયાન બારીની ગ્રીલ તોડી કોઇ તસ્કર અંદર ધુસ્યા હતા.
જે બાદ અંદરથી થેલામાં રાખેલા રોકડા રૂ.45 હજાર ઉપરાંત ચાંદીની નાની મોટી 35 બંગડી જોડી,ચાંદીની કડલીઓ 15,ચાંદીની લકકીઓ, પોચીઓ, નજરીયા,ઘુઘરીયુ,સોનાની બુટ્ટીઓ, વીંટી, ચીપવાળા પાટલાઓ,132 નંગ સોનાના દાણા વગેરે મળી ચાંદીના 1602 ગ્રામ ઘરેણા અને સોનાના 41 ગ્રામ ઘરેણા મળી રૂ.3,38,400ની માલમતા ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો.
ચોરીના આ બનાવની પેઢીધારકની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે.જયારે નજીકના સીસીટીવી કેમેરાની મદદ મેળવી તસ્કરોના સગડ મેળવવા માટે કવાયત હાથ ધરી છે. જયારે જામજોધપુરના ગોપ ગામે રહેતા અને ગોપ પાટીયા પાસે દુકાન ધરાવતા કિશનભાઇ વીરાભાઇ નંદાણીયા નામના વેપારી યુવાને તેની દુકાનના શટ્ટર ઉંચકાવી રાત્રી દરમિયાન અંદર પ્રવેશી કોઇ તસ્કર રૂ. 80 હજારની કિંમતના 11 મોબાઇલ ફોનની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે તસ્કરોને પકડવા કવાયત શરૂ કરી છે.
રીપેરીંગ માટે રાખેલી બુટી પણ ચોરાઈ
જવેલર્સ પેઢીમાં ત્રાટકેલા તસ્કર અંદરથી સોના અને ચાંદીના જુદા જુદા દાગીના સાથે રીપેરીંગ અર્થે આવેલી એક ગ્રાહકની બુટી પણ ચોરી કરી લઇ ગયાનુ જાણવા મળ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.