માલવાહક વહાણની જળસમાધિ:દેવભૂમિ દ્વારકાના સલાયાથી પોરબંદર જઈ રહેલું વહાણ ડૂબ્યું, 6 ખલાસીઓએ તરાપાના સહારે જીવ બચાવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • અન્ય વહાણ દ્વારા 6 ખલાસીઓને ઉગારી લેવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના એક માલવાહક વહાણે દ્વારકા-પોરબંદર વચ્ચે જળસમાધિ લેતા દરિયામાં જીવન-મરણના જંગના દ્રશ્યો જોવા મળ્યા હતા. વહાણ ડૂબવા લાગતા તેના પર સવાર છ ખલાસીઓ તરાપાના સહારે દરિયામાં કૂદી પડ્યા હતા. જેની જાણ થતા નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય વહાણ દ્વારા તમામ ખલાસીઓને ઉગારી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો વાઈરલ થયો છે.

ડૂબી રહેલા વહાણની તસવીર
ડૂબી રહેલા વહાણની તસવીર

સલાયા-પોરબંદર વચ્ચે વહાણે જળસમાધિ લીધી
અરબ સાગરમાં જામ સલાયાના જે વહાણે જળસમાધિ લીધી છે તેનું નામ 'ગોશે જિલ્લાની' હોવાનું જાણવા મળ્યું છે. ગની સુલેમાન સંઘારની માલિકીનું 400 ટન કેપેસિટીનું આ વહાણ જામ સલાયાથી પોરબંદર જઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ડૂબલા લાગતા તેના પર સવાર 6 ખલાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે, તમામ તરાપાની મદદથી દરિયામાં કૂદી પડ્યા હતા અને તરાપાના સહારે જ તરતા રહ્યા હતા. આ દરમિયાન અન્ય વહાણની નજર પડતા તેના દ્વારા તમામ ખલાસીઓને ઉગારી લેવાયા હતા.

વહાણની જળસમાધિ પાછળનું કારણ અકબંધ
ગોશે જિલ્લાની નામના વહાણે મધદરિયે કઈ રીતે જળસમાધિ લીધી તે અંગે વધુ જાણકારી મળી શકી નથી. જો કે, હાલ તો તમામ ખલાસીઓનો આબાદ બચાવ થતા ખલાસીઓના પરિવારજનો અને વહાણના માલિકે રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય વહાણે ખલાસીઓને બચાવ્યા
અન્ય વહાણે ખલાસીઓને બચાવ્યા