વાતાવરણ ઠંડુગાર:જામનગરમાં શીતલહેર, લઘુતમ તાપમાન 13 ડિગ્રી

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં ભેજનું પ્રમાણ 35 ટકા ઘટ્યું
  • ​​​​​​​બર્ફીલો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર

જામનગરમાં શીતલહેરના કારણે લઘુતમ તાપમાન ઘટીને 13 ડિગ્રીએ પહોંચ્યું છે. દિવસભર બર્ફીલો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. 24 કલાકમાં ભેજના પ્રમાણમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. જામનગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન એક ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન 13 ડીગ્રી નોંધાયું હતું. ધુળિયા વાતાવરણ વચ્ચે નગરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જામનગરમાં ગુરૂવારે બપોરથી પલટાયેલા હવામાન પછી પવનની ગતિમાં વધારો થયો હતો.

સરકારી ચોપડે પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ 10 થી 15 કિ.મી.ની નોંધાઈ હતી. પરંતુ પવનની ગતિ 25 થી 30 કિ.મી.ની હોય તેવી અનુભૂતિ લોકોએ કરી હતી. તેજીલા વાયરાઓના પગલે હવામાં ધૂળના કણ ઊડતા સમગ્ર વાતાવરણ ધૂળિયુ બની ગયું હતું. શહેરમાં શુક્રવારે એક ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન 13 ડીગ્રી અને 1.5 ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 26 ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરા અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે નગરમાં પુનઃ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 35 ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 57 ટકા રહ્યું હતું. આગામી દિવસોમાં હજુ તાપમાન નીચે જશે જેના કારણે કાંતિલ ઠંડીનો દોર શરૂ થવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. ંઠંડા પવનના કારણે લોકો રીતસર ધ્રુજી ઉઠયા છે તો માર્ગો પર ચહલપહલ ઘટી છે.

અન્ય સમાચારો પણ છે...