લગ્નના નામે છેતરપિંડી:જામજોધપુરના યુવાન સાથે શાપરના દંપતીએ પરિણીત યુવતી સાથે લગ્ન કરાવી દીધા, રૂપિયાની માંગણી કરી યુવતીએ છૂટાછેડાની ધમકી આપી

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામજોધપુરના બગધરાના એક યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડી કરાઈ હોવાની અરજી શેઠવડાળા પોલીસને આપવામાં આવી હતી. આ યુવાનને અગાઉથી પરિણીત એવી યુવતી સાથે રાજકોટના શાપરના દંપતી તેમજ મોટી ગોપના દંપતીએ પરણાવી દઈ છેતરપિંડી આચરી હતી. પોલીસે અરજીના સંદર્ભે તપાસ આરંભી છે.
રૂ.1.70 લાખ આપ્યા પછી લગ્ન કરાવવાનું નક્કી કરાયું
મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના બગધરા ગામના સુભાષભાઈ ભગવાનજીભાઈ કોટડીયા નામના 44 વર્ષના યુવાન લાંબા સમયથી પોતાના લગ્ન માટે પ્રયાસ કરતા હતા. બગધરામાં ખેતીકામ કરતા આ યુવાન પોતાના માતા-પિતા સાથે રહે છે. તે દરમિયાન લગ્ન અંગે ભોજાબેડી ગામના અતુલ ભંડેરી સાથે વાત થતા તેઓએ અતુલભાઇએ મોટી ગોપનાથ ઈશા ગુલમામદ ધુધા તથા અલુબેન ઈશા ધુધા નો સંપર્ક કરાવ્યો કરવાનો હોવાનું કહેવાતા સુભાષભાઈએ તેણીને પસંદ કરી હતી અને રૂ.1.70 લાખ આપ્યા પછી રાણીના સુભાષભાઈ સાથે લગ્ન કરાવવાનું નક્કી કરાયું હતું. સમજુતી મુજબ ગઈ તા.30-11-22ના દિને અજયસિંહ, રીયા, ઈશાભાઈ, અલુબેન તથા એક અજાણ્યા મહિલા બગધરા આવ્યા હતા અને તેઓએ સુભાષના રાણી સાથે સાદાઈથી લગ્ન કરી આપી પૈસા મેળવ્યા હતા. જેમાંથી રૂ.30 હજાર અલુબેન તથા ઈસાભાઈએ રાખીને લગ્ન નોંધણી માટેના કાગળ તૈયાર કરાવ્યા હતા
​​​​​​​માતાને નાગપુરમાં હાર્ટએટેક આવ્યો હોવાનું કહી યુવતી નાગપુર ગઈ
લગ્ન પછી ચારેક દિવસ વિત્યે અજયસિંહે ફોન કરીને જણાવ્યું હતું કે, રાણીના માતાને નાગપુરમાં હાર્ટએટેક આવ્યો છે તેથી રાણીને રાજકોટ મૂકી જાવ, નાગપુર જવું પડશે. તે સંદેશો મળતા સુભાષભાઈ પત્નીને મૂકવા માટે રાજકોટ ગયા હતા, ત્યારે આ યુવતીએ રૂપિયા દસેક હજા૨ના કપડા, પાંચ હજારનો સામાન, સોનાનો દાણો, ચાંદીના સાંકળા વગેરે સાથે લીધા હતા. તે પછી રૂ.10 હજાર રોકડા પણ સુભાષભાઈએ પત્નીને આપ્યા હતા. નાગપુર ગયા પછી અજયસિંહે ફોન કરી સુભાષભાઈને જણાવ્યું હતું કે, તમારે પણ નાગપુર આવવું પડશે. તેથી સુભાષભાઈ નાગપુર જતાં ત્યાં રાણી અને રીયા અને તેની માતા મળ્યા હતા. આ વેળાએ રૂ.30 હજારની રીયા સોઢાએ માંગણી કરી હતી પરંતુ તે રકમ સાથે ન હોવાનું કહેતા છૂટાછેડા આપી દેવાની ધમકી અપાતા આઘાત પામેલા સુભાષભાઈ પોતાના ઘેર પરત ફર્યા હતા.
​​​​​​​યુવતીના અગાઉ પણ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું
આ પછી તેઓને જાણવા મળ્યું હતું કે, તેમના લગ્ન તા.30-11-22એ થયા તે પહેલા તા.15-10-22ના દિવસે તેની પત્નીએ આવી જ રીતે રાજકોટના વિજય લીલાધર વાઘેલા સાથે પણ લગ્ન કર્યા હતા. જેની અમરેલી જિલ્લામાં નોંધણી કરાવી હતી અને ત્યાંથી છૂટાછેડા લીધા વગર જ પૈસા પડાવી લઈ રાણી રફુચક્કર થઈ ગઈ હતી અને તે બાબત છૂપાવી ફરીથી તેણે સુભાષભાઈ સાથે લગ્નનું નાટક રચ્યું હતું. આવી રીતે પોતાની સાથે કુલ રૂ.1.80 લાખની રોકડ તથા અન્ય સામાનની છેતરપિંડી કરવા અંગે રાણી ગાયકવાડ, અજયસિંહ સોઢા, રીયા સોઢા, ઈશા ધુધા, અલુબેન ઈશા તથા અજાણી મહિલા સામે ગુન્હો નોંધવા સુભાષભાઈ કોટડીયાએ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અરજી પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...