નવા નીરના વધામણા:જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો, મનપાના અધિકારીઓએ નવા નીરના વધામણાં કર્યા

જામનગરએક મહિનો પહેલા
  • રણજીતસાગર ડેમ શહેરને રાજાશાહી વખતથી પાણી પૂરું પાડે છે
  • આ ડેમ માત્ર જળસ્ત્રોત જ નથી, પરંતુ જામનગર શહેરના સહેલાણીઓનું ફેવરિટ સ્થળ પણ છે

સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન જે ધમાકેદર બેટિંગ કરી છે એ જોતાં આખાય પંથકમાં પીવાના અને ખેતીના પાણીનું ચિત્ર પલટાઈ ગયું છે. જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા રમણીય નજારો જોવા મળી રહ્યો છે. જ્યારે જામનગર મહાનગરના પદાધિકારીઓએ ડેમ પર જઇને નવા નીરના વધામણાં કર્યાં હતાં.

જામનગર શહેરને પાણી પૂરું પાડતા અને શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં તાજેતરમાં જ વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો હોવાથી નવા નીરને વધાવા માટે જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ ડેમ પર પહોંચ્યા હતાં.

શહેરને રાજાશાહી વખતથી પાણી પૂરું પાડતા અને એક પણ પ્રકારની મશીનરી વગર શહેરને પાણી પહોંચાડતા રણજીતસાગર ડેમમાં નવા નીર આવ્યા હોવાથી રણજીતસાગર ડેમ છલકાયો છે. જેથી જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા પુષ્પ અને શ્રીફળ પધરાવી નવા નીરના વધામણા કર્યા હતા. મહાનગરપાલિકાના અને શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા અને શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિત રણજીતસાગર ડેમ પહોંચ્યા હતા અને ડેમમાં પુષ્પવૃષ્ટિ તેમજ શ્રીફળ વધેરીને નવા નીરના વધામણા કર્યા હતા અને વરુણદેવનો આભાર વ્યક્ત કર્યો હતો.

અદભૂત અને કુદરતી એક રમણીય નજારો એટલે રણજીતસાગર ડેમ

રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે શહેર વાસીઓ જો કોઇ જળાશય પર સીધી નજર હોય તો રણજીતસાગર ડેમ પર છે. કારણ કે, તે માત્ર જામનગરનો જળસ્ત્રોત જ નથી, પરંતુ જામનગર શહેરના સહેલાણીઓનું ફેવરિટ ગાર્ડન પણ છે. પરિણામે જ્યારે-જ્યારે રણજીત સાગર છલકાઇ છે. ત્યારે સૌથી વધુ આનંદ જામનગરના શહેરીજનોમાં જોવા મળે છે.

ગઇકાલે ગણતરીની કલાકોમાં છલકાયેલા રણજીત સાગર ડેમનો ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલો આ અદ્દભુત, રમણીય અને મનપ્રફુલિત કરનારો નજારો કુદરતના સર્વાંગ સુંદર રૂપને ઉજાગર કરે છે. આ દ્રશ્ય જોનાર દરેક વ્યકિતના માનસપટ્ટ પર તે લાંબાસમય સુધી અંકિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...