જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે ટ્યુશન જતી એક કોલેજીયન યુવતીને આંતરી લઈ ધરાર પ્રેમી બનવા માંગતા રોમિયોએ છરી વડે હુમલો કર્યો હતો. યુવતીને લોહીલુહાણ કરી નાખતા સંનસનાટી મચી છે. 'તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે કે કેમ' એમ કહી રોમિયોએ હુમલો કર્યો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે. આ બનાવના પગલે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી માથાના ભાગે પાંચ ટાકા સહિતની સારવાર લઈ તબીબોએ ભયમુક્ત કરી હતી.
પ્રેમસંબંધની ના પાડતા શખ્સ ઉશ્કેરાયો
જામનગરમાં યુવતી પર હુમલાની ઘટનાની વિગત મુજબ ગઈકાલે સાંજે રામેશ્વર નગર વિસ્તારમાં આવેલ કેપી શાહની વાડીમાં પોતાની બહેનપણી સાથે એકટીવા પર જતી એક યુવતીને અજય સરવૈયા નામના શખ્સે આંતરી હતી. એક્ટિવા ઊભું રખાવી આરોપી અજયે તેણીને પૂછ્યું હતું કે ‘તારે મારી સાથે પ્રેમસંબંધ બાંધવો છે કે કેમ ?જેના જવાબમાં યુવતીએ ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢી યુવતી પર હુમલો કરી દીધો હતો. માથા અને કપાળના ભાગે છરી મારતા યુવતી લોહી લુહાણ થઈ હતી. આ બનાવના પગલે લોકો એકત્ર થઈ જતા આરોપી નાસી છૂટયો હતો.
પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
ત્યારબાદ યુવતીને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીના માથા પર પાંચ ટાંકા લેવા પડ્યા હતા.આ બનાવ અંગે યુવતીએ આરોપી અજય સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ ધરાર પ્રેમસંબંધ રાખવા માંગતો હોય અને તેણે ના પાડતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવના પગલે સીટી બી ડિવિઝન પોલીસ દફત્તરના સ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તેણી પોતાની ફઇની દીકરીના એકટીવામાં પાછળ બેસી પોતાના ટયુશન કલાસમા જતી હતી. ત્યારે આરોપીએ રસ્તામા રોકી કહ્યું કે ‘તારે મારી સાથે પ્રેમ-સંબધ રાખવો છે કે કેમ ? તેમ કહેતા તેણીએ પ્રેમસંબંધ રાખવાની ના પાડતા આરોપી અજય સરવૈયા એકદમ ઉશ્કેરાય જઇ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી છરી કાઢી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.