વેપારીઆેમાં મૂંઝવણ:દિવાળીના કપડાની ઓનલાઇનના કારણે રીટેલ ગ્રાહકો ઘટ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડીઝલ તથા કાપડના રો-મટીરીયલના ભાવમાં વધારો થતા કુર્તીના ભાવમાં 15 થી 20 ટકાનો ઉછાળો

દિવાળીના તહેવારો પૂર્વે મહિલાઓ અને યુવતિઓ દ્વારા જુદી-જુદી ચીજ-વસ્તુઓની ખરીદી કરવામાં આવતા બજારમાં તેજીનો સંચાર અને રોનક જોવા મળે છે. જેમાં ખાસ કરીને ઘર સજાવટની, સોનાના દાગીના, કપડાની ખરીદી વધુ રહે છે. પરંતુ ચાલુ વર્ષે પેટ્રોલ-ડીઝલ તથા કપડાના રો- મટીરીયલના ભાવમાં વધારો થતાં તૈયાર સ્ટ્રેટ અને રાઉન્ડ કુર્તીના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે.

કોરોના કારણે વેપાર-ધંધામાં હજુ જોઈએ તેટલી કળ વળી નથી ત્યાં લોકોમાં ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધતા રીટેલ ગ્રાહકોમાં 50 ટકાનો ઘટાડો થયાનું જામનગરના ડ્રેસ અને કુર્તીના વેપારીઓએ જણાવ્યું છે. દિવાળી બાદ ટેક્સમાં વધારાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે હેવી ડ્રેસ અને સાડીઓના ભાવમાં હજુ પણ વધારો થાય તો નવાઈ નહીં તેમ વેપારીઓએ ઉમેર્યું છે. ચાલુ વર્ષ દિવાળીના તહેવારોમાં યુવતીઓમાં નાયરા લુક તથા ફલેરવાળી કુર્તીઓ અને સાડીમાં બનારસી અને હળવા વજનની સાડીની માંગ છે.

મટીરીયલ, ડીઝાઇન નજીકથી જોઇ શકાય તે માટે મહિલાઓ સાડીની ઓફ્લાઈન ખરીદી કરે છે
હેવી સાડી લેવા માટે મોટાભાગની મહિલાઓ ઓફલાઈન જ ખરીદી કરવાનું પસંદ કરે છે. કારણ કે તેનું મટીરીયલ અને ડિઝાઇન નજીકથી જોઈ શકે. વળી સાડી કેવી લાગે છે તેનો અંદાજ પણ લગાવી શકે. દિવાળીના તહેવારોને અનુલક્ષીને સોફ્ટ મટીરીયલની સાડી, બનારસી, સાઉથ ઇન્ડિયન ,બેંગ્લોરી સાડીની માંગ વધુ છે. જ્યારે પટોળામાં હૈદરાબાદી, રાજકોટ, પેઠાણી મહિલાઓ વધુ પસંદ કરી રહી છે.> કમલેશભાઈ ભટ્ટ, સાડીના વેપારી, જામનગર.

ગ્રાહકોમાં ઓનલાઇન રેડીમેઇડ ડ્રેસ, કુર્તીની ડિઝાઈનની માંગ
ઓનલાઈન રેડીમેઇડ ડ્રેસ, કુર્તી, સાડીની ખરીદીમાં અવનવી સ્કીમો હોવાથી ગ્રાહકો વધુ આકર્ષતા રીટેલ ગ્રાહકો 50 ટકા ઘટી ગયા છે. જે ગ્રાહકો ઑફલાઈન ડ્રેસ, કુર્તીની ખરીદી કરે છે તેમાંથી 5 ટકા ગ્રાહકો ઓનલાઈનમાં હોય તે ડિઝાઇનની માંગ કરે છે. જો માંગ મુજબ ડ્રેસ સહિતની વસ્તુ ન મળે તો ખરીદી કરવાનું ટાળે છે.> વિનોદભાઈ પમનાણી, કુર્તીના વેપારી, જામનગર.

અન્ય સમાચારો પણ છે...