સંક્રમણનો ભય:‘જામનગરની શાળાઓમાં પુન: ઓનલાઇન શિક્ષણ શરૂ કરો’

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાઓમાં કોરોનાનાે પ્રવેશ થતાં વાલીઓએ કહ્યું કે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, ગાઇડલાઈનું પાલન કરી શક્તા ન હોય પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવું જરૂરી

જામનગર સહિત રાજ્યભરમાં કોરોના કેસ નિયંત્રણની બહાર જઈ રહ્યા છે. વળી આટલું ઓછું હોય તેમ કોરોનાએ શાળાઓમાં પગપેસારો કરતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાયું છે. જામનગરમાં પણ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પોઝિટિવ કેસના કારણે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ત્યારે જામનગરમાં ધોરણ 1 થી 8 માં પુન: પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરી શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે તે જરૂરી છે. વળી, નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ ઓછું હોય છે વળી 14 વર્ષથી નીચેના બાળકોને કોરોના પ્રતિરોધક વેક્સિન પણ આપવામાં આવશે નહીં તો બાળકો કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા નથી. વળી શિક્ષકો પણ સતત બાળકો ઉપર નજર રાખી શકે તે શકય નથી આ તમામ કારણોને પરીણામે બાળકોમાં સંક્રમણનો ભય વધુ રહે છે, આથી પુન: ઓનલાઇન શિક્ષણ શરૂ કરવું જોઇએ તેમ જામનગરના વાલીઓએ જણાવ્યું છે.

બાળકો મસ્તીમાં ગાઈડલાઈન ભૂલી જાય છે
બાળકોને આપણે ગમે તેટલું સમજાવીએ પણ તે એક વાર રમતે ચડે અથવા મસ્તી તોફાન કરે છે ત્યારે તેનું ધ્યાન મોટાએ જ રાખવું પડે છે તેઓ પોતાનું ધ્યાન રાખતા નથી તો કોરોનાની ગાઈડલાઈન કઈ રીતે યાદ રાખે. આથી બાળકો ઘેર ઓનલાઇન અભ્યાસ કરે તે હિતાવહ છે.> અનિતાબેન ચાવડા, જામનગર.

બાળકો સંક્રમિત થાય તો ક્વોરેન્ટઇન રાખવા મુશ્કેલ
જામનગર સહિત ગુજરાતભરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યા છે. જો બાળકો સંક્રમિત થાય તો તેને ક્વોરેન્ટાઇન રાખવા મુશ્કેલ બને. બાળક સાથે કોઇક ને તો સતત રહેવું પડે આમ કરવાથી ઘરમાં બીજા પણ સંક્રમિત થાય તેના કરતાં વિદ્યાર્થીઓ પહેલાની જેમ ઓનલાઇન ભણે તે જરૂરી છે.> જયશ્રીબા જાડેજા , જામનગર.

કોરોનાના કેસ વધે તો શાળા ચોક્કસ બંધ કરવી જોઈએ
બાળકોને શાળાએ ન મોકલ્યે તો તેનો અભ્યાસ બગડે બગડે છે અને ઘરમાં બેસીને તે વ્યવસ્થિત અભ્યાસ કરતા નથી. પરંતુ જો કોરોના કેસ હજુ વધે તો શાળા ચોક્કસ બંધ કરવી જોઈએ. કારણ કે નાના બાળકોને સમજાવી અને કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરાવવું ખૂબ અઘરું છે.> અશોકભાઈ સોલંકી , જામનગર.

છેલ્લા પંદર દિવસથી સ્કુલ જ મોકલતી નથી
શહેરમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ કોરોના સંક્રમિત થાય છે આથી ડર લાગે છે કે જો મારા બાળકના ક્લાસમાં અથવા તેના શિક્ષક પોઝિટિવ થાય તો તે પણ ચેપગ્રસ્ત થાય આથી છેલ્લા પંદર દિવસથી બાળકને શાળાએ મોકલતી નથી અને ઓનલાઈન જ અભ્યાસ કરાવું છું> તારૂલતાબેન ઘુમલિયા , જામનગર.

અન્ય બાળકો ક્યાંથી આવે છે ખબર નથી
શાળામાં શહેરના ખૂણેખૂણેથી બાળકો આવતા હોય છે અને તે બાળકો કોની સાથે કેટલા સંપર્કમાં છે તેના ઘરે ક્યાંથી મહેમાન આવ્યા છે અથવા તો તેનો પરિવાર કયા શહેરમાં લગ્ન અથવા અન્ય કોઇ પ્રસંગમાં ગયો છે તે ખબર પડતી નથી. આથી બાળકોને શાળાએ મોકલતા ડર લાગે છે.> ભાવેશ મહેતા, જામનગર.

શાળામાં રિસેસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી
શાળા બંધ કરવી જોઈએ કારણ કે શાળામાં રિસેસમાં તથા રમત-ગમતના પિરીયડમાં બાળકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. વળી બાળકો સતત માસ્ક પહેરી શકતા નથી. 14 વર્ષથી નીચેના બાળકોને વેક્સિન પણ આપવામાં આવશે નહીં. આથી તેઓ ઝડપથી સંક્રમિત થાય તેવી શક્યતા રહે છે.> બ્રિજરાજસિંહ જાડેજા, જામનગર.

બાળકો સોશિયલ ડિસ્ટન્સ રાખી શકતા નથી
છોકરાઓ શાળામાં શિક્ષકોનાં ધ્યાન બહાર મસ્તી કરતા હોય છે . બાળકોને ગમે તેટલું સમજાવવા છતાં તે સમજતા નથી. આથી રમત-રમતમાં તેમજ શાળાઓમાં રીસેસમાં સોશિયલ ડિસ્ટનસ જળવાવનું નથી જેને કારણે બાળકો સંક્રમિત થવાની ભીતિ વધુ રહે છે. આથી શાળાઓ બંધ થવી જોઈએ.> અજીતભાઈ રાજપુત, જામનગર.

બાળકોને સ્કૂલમાં સતત માસ્ક પહેરાવી રાખવું અઘરું છે
કોરોનાથી બચવા માસ્ક પહેરવું અનિવાર્ય છે. પરંતુ બાળકોને સ્કૂલ દરમ્યાન સતત માસ્ક પહેરાવી રાખવું ખૂબ અઘરૂં છે. કારણ કે તે બાળકો ગમતું નથી અથવા તો ફાવતું નથી. વળી શાળામાં બાળકો સતત માસ્ક પહેરે તે માટે શિક્ષકો સતત નજર રાખે તે શકય નથી. આથી બાળક સંક્રમિત થઇ શકે છે. > વિરેન્દ્રભાઈ ભટ્ટી , જામનગર.

અન્ય સમાચારો પણ છે...