વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનો વિરોધ:જામનગરના વોર્ડ નંબર 2 અને 4ના રહેવાસીઓમાં રોષ, ભાજપના સ્થાનિક કોર્પોરેટર સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

જામનગર17 દિવસ પહેલા
  • પ્લાન્ટના કારણે અતિશય દુર્ગંધ અને ધુમાડો પ્રસરતા હોવાથી લોકોમાં રોષ
  • વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોની માગ

જામનગર મહાપાલિકાએ કચરામાંથી વિજળી ઉત્પન્ન કરવાના લગાવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સામે સ્થાનિક વિસ્તારોના વોર્ડ નં. 2 તથા 4 ના નાગરિકોએ મોરચો માંડ્યો છે. આ પ્લાન્ટથી અતિશય દુર્ગંધ અને ધુમાડો પ્રસરતા હોવાના કારણે લાંબા સમયથી આ મામલો ઉભો થયો છે. આજે આ બંને વોર્ડના ભાજપના જેટલા કોર્પોરેટરો તેમજ કોંગ્રેસના નગરસેવિકા રચના નદાણીયાને સાથે રાખી મોટી સંખ્યામાં બંને વોર્ડના રહેવાસીઓએ વિશાળ રેલી સૂત્રોચ્ચાર સાથે મહાપાલિકા કચેરી પર મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડીને આવેદન પાઠવી રોષ સાથે રજૂઆત કરી હતી.

મ્યુનિ. કમિશ્નરે કહ્યું હતું કે, આ પ્લાન્ટ માટે મનપાની સામાન્ય સભાએ મંજૂરી આપી હોવાથી તેના અંગે કોઈ નીતિ વિષયક નિર્ણય કરવા અંગે સામાન્ય સભા સમક્ષ આ પ્રશ્ન મુકવામાં આવશે. આજે આ આવેદનપત્ર સ્વિકારવા માટે મ્યુનિ. કમિશનર પોતાની ચેમ્બર છોડીને મહાનગર સેવા સદનના મુખ્ય પ્રવેશદ્વાર પર રૂબરૂ આવ્યા હતાં. અને આગેવાનો- નાગરિકોને સાંભળ્યા હતાં. જો કે એ પછી તેઓ ચેમ્બરમાં જતા રહ્યા હતાં. અને એક તબકકે પ્રદર્શનકારીઓ મનપા કચેરીમાં રોષ પ્રદર્શિત કરવા ઘુસી જાય નહીં માટે કચેરીના પ્રવેશદ્વાર પર સલામતીકર્મીઓએ સાંકળબાંધી દીધી હતી.

વોર્ડ નંબર 2 અને 4 ના ભાજપના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, કેશુભાઈ માડમ, પૃથ્વીરાજ સિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, જડીબેન સરવૈયા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન રાવલ, પ્રજ્ઞાબા સોઢા ઉપરાંત વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વગેરેએ સામૂહિક રીતે એકત્ર થઇ ખાનગી કંપની નો વિરોધ કર્યો હતો, અને આ પ્લાન્ટને અન્યત્ર ખસેડવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...