જામનગર શહેરમાં સાયલેન્સર ચોરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલી સ્કૂલના મેદાનમાં પાર્ક કરેલી ત્રણ જુદી જુદી કારમાંથી અજાણ્યા તસ્કરોએ 84 હજારની કિંમતના ઈકો કારના સાયલેન્સરની ચોરી કરી હતી. ચોરો ઓરિજનલ સાયલેન્સર ચોરી કરી હલ્કી ગુણવત્તાના સાયલેન્સર ફિટ કરી દીધા હતા, જેથી કાર માલિકને શંકા ન જાય. આ મામલો પોલીસ સમક્ષ આવતા અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં પીપળા શેરીમાં શત્રુંજય એપાર્ટમેન્ટમાં રહેતાં મહોબતસિંહ જીવુભા જાડેજા નામના યુવાને તેની ઈકો કાર આણદાબાવા ચકલા પાસે જૂની તાલુકા સ્કૂલના મેદાનમાં પાર્ક કરી હતી. ત્યાંથી ગત તા.27થી 29 ડિસેમ્બર સુધીના બે દિવસના સમય દરમિયાન તસ્કરોએ ઈકો કારમાંથી 45 હજારની કિંમતનું ઓરિજનલ સાયલેન્સર કાઢીને હલ્કી ગુણવતાવાળુ બનાવટી સાયલેન્સર ફીટ કરી દીધું હતું. તેમજ આ સ્થળે સંદીપભાઈની કારમાંથી 30 હજારનું સાયલેન્સર અને નીતિન પઢીયારની ઈકો કારમાંથી 9 હજાર રૂપિયાનું સાયલેન્સર ચોર્યા હતા. તસ્કરોએ આમ કુલ 84 હજારની કિંમતના ત્રણ જુદાં-જુદાં સાયલેન્સર ચોર્યા હતા. ચોરીના બનાવની વિગતની જાણ મહોબતસિંહ દ્વારા કરવામાં આવતા પીએસઆઇ ડી.એસ.વાળા તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ સાયલેન્સર ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
1 સાયલેન્સરમાં 800 ગ્રામ કિંમતી ધાતુ
પ્રદૂષણ ઓછુ થાય તે માટે કાર બનાવતી કંપની ઈકો ગાડીના સાયલેન્સરમાં પેલેડિયમ, પ્લેટિનમ અને રોડિયમ મિશ્રિત ધાતુનો પથ્થર બનાવીને તે સાયલેન્સરમાં ફિટ કરે છે. જો કે ઈકો ગાડીનું સાયલેન્સર 3 ભાગમાં આવેલું હોવાથી આ પથ્થર વચ્ચેના ભાગમાં ફિટ કરવામાં આવે છે. જેના માટે ચોર ટોળકી સાયલેન્સરની ચોરી કરે છે.
પથ્થરને ઓગાળી ત્રણેય ધાતુ જુદી કરાય છે
આ પથ્થરને સોના તેમજ અન્ય કીમતી ધાતુની જેમ ગરમ કરવામાં આવે છે. જેથી તેમાંથી પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ ધાતુ છૂટી પડે છે. આ ત્રણેય ધાતુને અલગ કરીને તેને પણ વેચવામાં આવે છે. જો કે આ ત્રણેય ધાતુની કિંમત સોના કરતાં પણ વધારે હોય છે તેવું પોલીસનું કહેવુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.