તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરને મોટી રાહત:રિલાયન્સ શરૂ કરશે 1000 બેડની હોસ્પિટલ, 400 બેડની હોસ્પિટલ તો રવિવાર સુધીમાં જ શરૂ થઈ જશે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • મુખ્યમંત્રીએ મુકેશ અંબાણીને કરેલા અનુરોધનો ત્વરિત પ્રતિસાદ
  • માનવબળ પુરૂં પાડવામા રાજ્યસરકાર સહયોગ આપશે

જામનગર શહેર જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ અને મૃત્યુદરની વચ્ચે આજે લોકો અને તંત્ર માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના અનુરોધ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવાની જાહેરાત કરવામા આવી છે. જેમાંની 400 બેડની હોસ્પિટલ તો આગામી રવિવાર સુધીમાં જ કાર્યરત કરી દેવાની જાહેરાત કરવામા આવી છે.મહત્વનું છે કે, જામનગરની જીજી હોસ્પિટલ ઉપરાંત અન્ય ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ જતા હાલ જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી જિલ્લાના લોકોએ સારાવારમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ સુવિધા ઉભી થતા લોકો અને તંત્રને મોટી રાહત થશે.

મુખ્યમંત્રી દ્વારા મુકેશ અંબાણીને અનુરોધ કરાયો હતો
મુખ્યમંત્રી દ્વારા મુકેશ અંબાણીને અનુરોધ કરાયો હતો

મુખ્યમંત્રીના અનુરોધને ત્વરિત પ્રતિસાદ આપવામા આવ્યો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અનુરોધનો ત્વરિત પ્રતિસાદ આપતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની વિપદામાં જનતા જનાર્દનની સેવામાં સરકાર સાથે રિલાયન્સ પરિવાર પણ પડખે ઊભો છે તેની ખાતરી આપી હતી. તેમણે મુખ્યમંત્રીની અપીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સામાજિક ઉત્તરદાયિત્વ રૂપે જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથેની ઓક્સિજન સુવિધાઓ સહિતની હોસ્પિટલ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે.

'રવિવાર સુધીમાં 400 બેડની હોસ્પિટલ કાર્યરત થશે'
મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીશ્રીને એમ પણ જણાવ્યું કે, આગામી રવિવાર સુધીમાં 400 બેડની હોસ્પિટલ તો ઓક્સિજન સુવિધાઓ સાથે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શરૂ કરી દેવાશે.ત્યારબાદ વધુ 600 બેડની ક્ષમતા સાથેની હોસ્પિટલ શરૂ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતનું નિર્માણ કાર્ય બનતી ત્વરાએ હાથ ધરીને 1000 બેડની સંપૂર્ણ ક્ષમતા સાથેની હોસ્પિટલ એકાદ સપ્તાહમાં શરૂ કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણતઃ પ્રયાસરત રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને જણાવ્યું કે આ હોસ્પિટલ માટે જરૂરી માનવબળ પુરૂં પાડવામાં રાજ્ય સરકાર રિલાયન્સને મદદરૂપ બનશે. અન્ય સાધન-સામગ્રી, ઇક્વિપમેન્ટસ અને આનુષાંગિક સુવિધાઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ હોસ્પિટલ માટે ઊભી કરશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી

જામનગરમાં નિર્માણ થનારી રિલાયન્સની હોસ્પિટલ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસના નેતૃત્વમાં જિલ્લા કલેકટર, તેમજ જિલ્લા વહિવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી રવિવાર સુધીમાં 400 બેડની તેમજ ત્યાર બાદ બનતી ત્વરાએ એકાદ સપ્તાહમાં વધુ 600 બેડ સાથે એમ કુલ 1000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.