દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીમડી ગામે આવેલા ત્રણ રસ્તે પોલીસ ચેકિંગ દરમિયાન રાજકોટમાં રહેતો કોન્ટ્રાક્ટર પોતાની કારમાં દેશી દારૂ સાથે પકડાયો હતો. આ શખ્સે પાણીની બોટલમાં દેશી દારૂ ભરી રાખ્યો હોવાની વિગતો સામે આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા મથકથી 26 કિલોમીટર દૂર આવેલ દ્વારકા ધોરીમાર્ગ પરના લીમડી ગામના ત્રણ રસ્તે ગઇકાલે બુધવારે પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાંજના ચારેક વાગ્યાના સુમારે અહીંથી પસાર થતી એક મારૂતિ સ્વીફ્ટ કારને કલ્યાણપુર પોલીસના સુમિત ભાટિયા સહિતના સ્ટાફે રોકાવી તલાશી લીધી હતી. આ કારમાંથી પોલીસને પાણી ભરેલી એક બોટલ મળી આવી હતી.
જો કે પાણીની બોટલ ખોલતા અંદર 200 એમએલ દેશી દારૂ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને પોલીસે રાજકોટમાં વાવડી રોડ પર વ્રજ વિલા ફ્લેટ 80માં રહેતા કોન્ટ્રાક્ટર ગોપાલ સામતભાઈ મકવાણા નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસે આ શખ્સ સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી, કાર ડિટેઈન કરી, કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોતાની દારૂની તલપ સંતોષવા માટે અને પોલીસથી બચવા માટે રાજકોટના કોન્ટ્રાક્ટરે પાણીની બોટલમાં દેશી દારૂ ભરી રાખ્યો હતો. પરંતુ આ શખ્સ પોલીસની નજરમાંથી બચી શક્યો ન હતો. કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધી કલ્યાણપુર પોલીસના કે જી ચેતરીયાએ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.