રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે મુખ્યંત્રી સહિત મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને 7 વખત ધારાસભ્ય બનેલા રાઘવજી પટેલ ફરી મંત્રી બન્યા છે. સતત બીજી વખત તેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે. રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસનો હવાલો સોપાયો છે.
જામનગર ગ્રામ્ય બેઠક પર જંગી લીડથી જીત મેળવી
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડેલા રાઘવજી પટેલ 47,500 મતની લીડથી જીત્યા છે. અહીં આમ આદમી પાર્ટીના પ્રકાશ દોંગા બીજા સ્થાને રહ્યા હતા. જેમને 31 હજાર 939 મત મળ્યા છે. તો ત્રીજા સ્થાને બહુજન સમાજ પાર્ટીના કાસમ ખફીને 29,162 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના જીવણ કુંભરવડિયાને માત્ર 18737 મત સાથે ચોથું સ્થાન મળ્યું હતું.
રાઘવજી પટેલની રાજકીય સફર
રાઘવજી પટેલ સૌપ્રથમ વખત વર્ષ 1975માં તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ 1982માં જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા જે બાદ કાલાવડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓની હાર થઈ હતી. ત્યારબાદ જામનગર જિલ્લામાં તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેમાં જામનગર-લતીપુર જિલ્લા પંચાયતની સીટ પરથી 1987 થી 1990 દરમિયાન જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા. જે બાદ તેઓ કાલાવડ વિધાનસભા બેઠક પરથી 1990માં ચૂંટણી લડ્યા હતા અને તેઓની જીત થઈ હતી. 1990થી 1995 દરમિયાન કાલાવડ બેઠક પણ ધારાસભ્ય રહ્યા અને બીજી વખત પણ કાલાવડ બેઠક પરથી જીત મેળવી 1995 થી 1998 ધારાસભ્ય રહ્યા હતા.
શંકરસિંહ વાઘેલાની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા
ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી સુરેશ મહેતાની સરકારમાં વર્ષ 1996માં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1997માં શંકરસિંહ વાઘેલાની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા તેમજ બીજી વખત વર્ષ 1997-98માં દિલીપ પરીખની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. રાઘવજી પટેલ જોડીયા વિધાનસભા મત વિસ્તારમાં પણ વર્ષ 2007 થી 2012 સુધી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી ધારાસભ્ય રહ્યા હતા અને રાજ્યમાં શિક્ષણ અને પરામત સમિતિ ગુજરાત રાજ્યનામાં સદસ્ય તરીકે 2007 થી 2012 તરીકે કાર્યરત રહ્યા હતા.
કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને ભાજપના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષને હરાવ્યાં હતા
રાઘવજી પટેલ વર્ષ 2012ની ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને ભાજપના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુને હરાવ્યાં હતા અને 2012થી 2017 સુધી ફરી ધારાસભ્ય બન્યા હતા. તેઓ કોંગ્રેસમાં સતત ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. તે સમયે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખને હરાવીને રાઘવજી પટેલે જીત મેળવી હતી, જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વર્ષ 2019ની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી જીત મેળવી કૃષિ મંત્રી બન્યાં
રાઘવજી પટેલનો ધારાસભ્ય બનવાનો અવિરત રથ ચાલુ રહ્યો હતો. વર્ષ 2017માં ધારાસભ્ય રાઘવજી પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડ્યા હતા. જોકે, 2017માં રાઘવજી પટેલની જામનગર ગ્રામ્ય બેઠક પરથી હાર થઈ હતી. જોકે, વર્ષ 2017માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી અને જીતેલા ધારાસભ્ય વલ્લભ ધારવીયા ભાજપમાં ભળી જતા વર્ષ 2019માં પેટા ચૂંટણી આવી હતી. જેમાં ફરી ભાજપે રાઘવજી પટેલને જામનગર ગ્રામ્યના ઉમેદવાર બનાવ્યા હતા. જે પેટાચૂંટણીમાં રાઘવજી પટેલ જંગી બહુમતીથી 33હજારથી વધુ મતેથી જીત્યા હતા અને ફરી ધારાસભ્ય બન્યા હતા. રાજ્યમાં વિજય રૂપાણી સરકારમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળને બદલવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં નવી સરકાર રચાઇ હતી. જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાઘવજી પટેલને કૃષિ, પશુ પાલન, ગૌ સંવર્ધન મંત્રી બનાવવામાં આવ્યાં હતા. ત્યારબાદ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી પર ફરી જામનગર ગ્રામ્ય બેઠક પર રાઘવજી પટેલ ભાજપના ઉમેદવાર બન્યા અને 47,000 થી વધુ જંગી બહુમતીથી વિજેતા બન્યા હતી. જે બાદ આજે ફરી ભુપેન્દ્ર પટેલ સરકારમાં તેઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે.
રાઘવજી પટેલનો સહકાર ક્ષેત્રે પણ દબદબો રહ્યો
જામનગર માર્કેટિંગ યાર્ડ હાપામાં વર્ષ 2006 થી 2010 સુધી ચેરમેન બન્યા હતા. તેમજ ફરી વર્ષ 2014થી 2021 સુધી માર્કેટિંગ યાર્ડ હાપાના ચેરમેન રહ્યા હતા. તેમજ વર્ષ 2013થી હાલ સુધી તેઓ જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાં ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત છે.
કોંગ્રેસમાં પણ અલગ-અલગ હોદ્દા પર કાર્યરત હતા?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં વર્ષ 2007માં મહામંત્રી હતા. તેમજ વર્ષ 2014થી 2017 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતા. વર્ષ 2000થી 2017 સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ નવી દિલ્હીમાં કાર્યરત રહ્યા હતા. તેમની ખાસ વિશેષતા રહી કે, વર્ષ 2012થી 2017 દરમિયાન ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન પૂછનાર ધારાસભ્ય તરીકે તેઓ હતા.
રાઘવજી પટેલની સામાજિક કારકિર્દી ?
રાઘવજી પટેલ પાંચ અલગ-અલગ સંસ્થામાં પ્રમુખ તરીકે કાર્યરત છે અને એક સંસ્થામાં ટ્રસ્ટી તરીકે પણ હાલ કાર્યરત છે.
રાઘવજી પટેલને શું છે શોખ?
ધારાસભ્ય રાઘવજી પટેલને વાંચન અને રમતગમત તેમજ સામાજિક સેવા કરવાનો શોખ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.