વિરોધ:જામનગર શહેરમાં ઇંડાની લારીઓ બાબતે વિરોધનું વ્યુગલ ફુંકાવાનું શરૂ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 કોર્પોરેટરોએ કમિશનરને રેંકડીઓ બંધ કરાવવા રજૂઆત કરી
  • બીજીબાજુ મેયરે શહેરના તમામ કોર્પોરેટરના આ બાબતે મંતવ્ય માંગ્યા

રાજયમાં જાહેર રોડ ઉપર માંસાહારની રેંકડીઓ બાબતે થયેલી ઉહાપોહના પગલે જામનગરમાં પણ વિરોધ વંટોળ ઉઠયો છે અને તેની શરૂઆત શહેરના 10 કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી છે. જેમાં જાહેર રોડ પર કપાતા મટન અને ઉભી રહેતી રેંકડીઓથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઇ છે તેવી રજૂઆત કરી તાત્કાલીક તેમને હટાવવાની માંગણી કરવામાં આવી છે. બીજીબાજુ આ બાબતે મેયરે પણ શહેરના તમામ કોર્પોરેટરના મંતવ્ય માંગ્યા છે, જે બાદ નિર્ણય કરવામાં આવશે.

જામનગર શહેરમાં સાંજ પડે અને મોટાભાગના મુખ્ય માર્ગો પર ઇંડાની લારીઓ ગોઠવાઇ જાય છે, જે મોડીરાત સુધી ધમધમે છે, અહીં આવારા તત્વો તો ભેગા થાય જ છે, સાથો-સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઇ છે.

આ બધી બાબતોને ધ્યાનમાં લઇ જામનગર શહેરના 10કોર્પોરેટરો બબીતાબેન લાલવાણી, પ્રવીણાબેન રૂપડીયા, કેતન નાખવા, શોભનાબેન પઠાણ, હર્ષાબા જાડેજા, જેન્તીલાલ ગોહિલ, ગીતાબા જાડેજા, વિનોદ ખુમસુર્યા, પાર્થ કોટડીયા અને ભારતીબેન ભંડેરીએ કમિશનરને કાગળ લખીને આવી રેંકડીઓ દુર કરી ધાર્મિક લાગણીઓ દુભાતી હોય તેને અટકાવવા અને દબાણ દુર કરવાની માંગણી કરતા શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

બીજી બાજુ આ મામલની ગંભીરતાને ધ્યાને લઇ મેયર બીનાબેન કોઠારીએ પણ રેંકડીઓ બાબતે તમામ કોર્પોરેટરોના મંતવ્યેા માંગ્યા છે, જે બાદ આવી માંસાહારની રેંકડીઓ પર શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય કરાશે. બીજીબાજુ તંત્ર આ મામલે અવઢવમાં છે. ફકત ધંધાના રૂએ રેંકડીઓને હટાવવી તે કેટલી અંશે વ્યાજબી છે, પરંતુ શું નિર્ણય આવે છે તેના પર તમામની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...