સ્વામિત્વ યોજના:ગામડાઓમાં ડ્રોનથી મિલકતની માપણી કરી પ્રોપર્ટીકાર્ડ અપાશે

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કામાં જામનગર તાલુકાના 80 ગામનો સમાવેશ કરવામાં આવ્યો, રામપર ગામથી મિલકતનો સર્વે શરૂ કરાયો
  • ચુનાથી માર્કીંગ કર્યા બાદ માપણી અને પુરાવા એકત્ર કરી હક્કચોકસીની કાર્યવાહી તબક્કાવાર કરવામાં આવશે: પૂરતા પ્રચાર વગર કામગીરીથી ગ્રામજનોમાં રોષ

કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના હેઠળ રાજયના અન્ય જિલ્લાની જેમ જામનગર જિલ્લાના ગામડાઓમાં ડ્રોનથી મિલકતની માપણી કરી પ્રોપર્ટીકાર્ડ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબકકામાં જામનગર તાલુકાના 80 ગામનો સમાવેશ કરાયો છે. રામપર ગામથી મિલકતનો સર્વે શરૂ કરાયો છે. ચુનાથી માર્કીંગ કર્યા બાદ માપણી અને પુરાવા એકત્ર કરી હકકચોકસીની કાર્યવાહી તબક્કાવાર કરવામાં આવશે. કામગીરીથી મિલકત અંગેના વિવાદ ઘટવાના તંત્રએ દાવા કર્યા છે.

સ્વામિત્વ યોજના અન્વયે જામનગર તાલુકાના ગામોમાં પંચાયત વિભાગ દ્વારા દરેક ગામમાં આવેલી જમીન, પ્લોટ સહિતની મિલકતોનું ચુના માર્કીંગ કરવામાં આવશે. ચૂના માર્કીંગની કામગીરી પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકારની સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા જે તે ગામમા ડ્રોન ફલાઇટ દ્વારા માપણીની કામગીરી કરવામાં આવશે. જેની શરૂઆત જામનગર તાલુકાના રામપર ગામે શનિવારથી કરવામાં આવી છે. ત્યારબાદ પંચાયત વિભાગના સહકારથી જમીન દફતર ખાતા દ્રારા પુરાવા એકત્ર કરી હકકચોકસીની કામગીરી તબકકાવાર કરવામાં આવશે.

ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે
ગામડાઓમાં મિલકતોની માપણીથી પ્રોપર્ટીકાર્ડ સુધીની કામગીરી ત્રણ તબકકામાં કરવામાં આવશે. જેમાં પ્રથમ તબકકામાં ગ્રામસભા, પ્રચાર, ચૂના માર્કીંગ, બીજા તબક્કામાં ડ્રોનથી માપણી, ડ્રાફટ નકશા અને તેમાં સુધારા અને તૃતિય તબક્કામાં સ્થાનિક તંત્ર પાસેથી પુરાવા મેળવી હકકચોકસીની કામગીરી કરવામાં આવશે. જેમાં 30 દિવસની અંદર વાંધા રજૂ કરવાના રહેશે.

મકાન, પ્લોટ સહિતની મિલકતની માપણી કરાશે
સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં જામનગર તાલુકાના 80 ગામનો સમાવેશ કરાયો છે. જેમાં મકાન, પ્લોટ સહિતની મિલકતનું ચૂના માર્કીંગ કરી ડ્રોનથી માપણી કરવામાં આવશે. ત્યારબાદ પુરાવા એકત્ર કરી હકકચોકસી કરી પ્રોપર્ટીકાર્ડ અપાશે. આ માટે ગ્રામપંચાયના આકારણી રજીસ્ટર ઓનલાઇન કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. રામપર ગામથી માપણીની શરૂઆત કરવામાં આવી છે.-એસ.એસ.રાવલિયા, ડીઆઇએલઆર, જમીન લેન્ડ રેકર્ડ કચેરી, જામનગર.

ગ્રામજનોને બેંક લોન, અન્ય સહાય મેળવવામાં સરળતા રહેવાના તંત્રના દાવા
સ્વામિત્વ યોજના હેઠળ તમામ કામગીરી પૂર્ણ થતા ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ સ્વરૂપે કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. જેના આધારે બેંક લોન તથા અન્ય નાણાકીય સહાય મેળવવામાં સરળતા રહેશે. ઉપરાંત મિલકતના નકશા પ્રાપ્ત થશે અને મિલકત વેરાની ચૂકવણીમાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...