જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનાે ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હાલારનો ગ્રામીણ માહોલ પણ હવે ધીરે ધીરે પલટાવા માંડ્યો છે. જુદા જુદા ગામડાઓમાં પોતપોતાની તાસીર અને લાક્ષણિકતા મુજબ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ક્યાંક ખાટલા બેઠકો શરૂ થઈ છે તો ક્યાંક ઓટલા પરિષદોનો ધમધમાટ ચાલુ થયો છે, ક્યાંક કોઈક જગ્યાએ બસ સ્ટેન્ડમાં વડલાના ઓટલા પર બેઠા-બેઠા રાજકીય સમીકરણો વિચારાઈ રહ્યા છે. કોઈક ગામડામાં જોરદાર રાજકીય ગરમાવો છે તો વળી ક્યાંક વાતાવરણ નીરસ પણ છે. ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે આ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ શરૂ કર્યો છે. હાલારના કયા ગામડામાં ચૂંટણી સંદર્ભે કેવો માહોલ પ્રવર્તી રહ્યો છે એ તમને ઘરે બેઠા જણાવીશું.
બેરાજા (તા. જોડિયા), ‘ચૂંટણી ટાંકણે મોટા ઉપાડે પ્રશ્નોના ઉકેલની ખાતરી તો આપે છે, પછી ઉમેદવારો દેખાતા નથી’
બેરાજા | જોડિયા તાલુકાના 1200 ની વસતી ધરાવતા બેરાજા ગામે વિધાનસભાની ચૂંટણીનો ઠીક ઠીક માહોલ જામ્યો છે. જો કે, ગ્રામજનોમાં ચૂંટણીને લઇને કોઇ ખાસ મુદાઓની ચર્ચાઓ હજુ શરૂ થઇ નથી. બીજી બાજુ હજુ ઉમેદવારો પણ ગામમાં હજુ આવ્યા નથી. ચૂંટણી ટાંકણે પ્રશ્નોના ઉકેલની ખાતરી બાદ ઉમેદવારો દેખાતા ન હોવાનો કટાક્ષ ગ્રામજનો અંદરો અંદર કરી રહ્યા છે.
કાઠી દેવળિયા (તા. ખંભાળિયા), હજુ માહોલ જામ્યો નથી, જ્ઞાતિ સમીકરણ અને ઉમેદવાર કેટલો સક્ષમ છે તે જોઈને મતદાન કરીશું
કાઠી દેવળીયા | વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પણ ખંભાળિયાના કાઠી દેવળીયા ગામમાં કોઈ ખાસ રાજકીય માહોલ જોવા મળતો નથી. પરંતુ છેલ્લા બે દિવસથી ગામમાં ચૂંટણીનો માહોલ જમ્યો છે. જ્ઞાતિના સમીકરણ અને ઉમેદવાર કેટલો સક્ષમ છે તે જોઈને મતદાન કરીશું. આ ઉપરાંત જે તે પક્ષ પ્રચાર માટે ગામમાં આવ્યો હોય અને તેઓ શું વચનો આપશે તેની ચર્ચા થઈ રહી છે.
ગોઈંજ (તા. ખંભાળિયા ), વધુ એક વખત રસ્તા, વીજળીના પ્રશ્નોના ઉકેલની ખાતરી અપાશે, ગામલોકોનો વ્યંગ
ગોઇંજ | ખંભાળિયા તાલુકાના 2500ની વસતી ધરાવતા ગોઈજ ગામમાં 1400 મતદારો છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં ગામમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગામમાં પાનના ગલ્લ, ચોરે, ખેતર અને વાડીઓમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોના જુદા જુદા વાયદાઓની ચર્ચાઓ પણ જોરશોરથી શરૂ થઇ રહી છે. ચૂંટણી આવતા વધુ એક વખત ગામના રોડ,રસ્તા અને વીજળીની સમસ્યાના ઉકેલની ખાતરી પણ આપવામાં આવશે તેવો અમૂક ગ્રામજનો કટાક્ષ વ્યક્ત કરી રહ્યા છે. ધીરે ધીરે ચૂંટણીનો માહોલ પણ જોવા મળશે.
ગોલણ શેરડી ( તા. ખંભાળિયા), ચૂંટણીની ચર્ચા શરૂ, નવા ચહેરા, જ્ઞાતિ સમીકરણને લઇને મતદાનનો વ્યૂહ ઘડાયો
ગોલાણ શેરડી | ખંભાળિયા તાલુકાના ગોલાણ શેરડી ગામે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે અને ચર્ચાઓ ચાલી રહી છે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગામમાં રાજકીય પક્ષો અને અમૂક નવા ચહેરાને લઈને વાડી અને ખેતરોમાં મતદાનની ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ વખતે ગામમાં નવા ચહેરા અને જ્ઞાતિના સમીકરણોને આધારે મતદાન થશે તેમ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.
લતીપુર (તા. ધ્રોલ), ઓટલા બેઠકો શરૂ, ધીરે ધીરે માહોલ જામશે
લતીપુર | ધ્રોલ તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા લતિપુર ગામમાં હવે ચુંટણીનો માહોલ ધીમે ધીમે જામતો જાય છે. ઠેર ઠેર ઓટલા મીટીંગો ધીમે ધીમે શરુ થતી જાય છે.જયારે જુદી જુદી શેરીનાં નાકે ચુંટણીની ચર્ચાઓ શરુ થઇ રહી છે.સૌથી મોટા મત વિસ્તાર ગણાતા લતિપુરમાં હવે દિન પ્રતિદિન વિધાનસભાની ચુંટણીનો માહોલ ગરમાવો પકડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.