ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મંગળવારે વિશ્વના પ્રથમ આયુર્વેદ રિચર્સ સેન્ટરના ભૂમિપૂજન માટે આવશે. તેઓ જામનગરમાં સંભવત: 4 કલાક રોકાણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમના પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર, એસ.પી., કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગોરધનપર પાસે થનારા કેન્દ્રના ભૂમિપૂજન સ્થળની મુલાકાત લીધી હતી. સમારોહમાં મોરેશિયસના વડાપ્રધાન, વિશ્વ આરોગ્ય સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓ, વિવિધ દેશના ડેલિગેટસ આવશે. પીએમના કાર્યક્રમના પગલે તંત્ર દ્વારા મીટીંગનો ધમધમાટ ચાલી રહ્યો છે.
આગામી તા. 19 એપ્રિલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1 થી 5 એટલે કે 4 કલાક જામનગરમાં રોકાણ કરશે. તેઓના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ જામનગરમાં તેઓનું બપોરે 1.20 કલાકે આગમન થશે. ગ્લોબલ સેન્ટરનું ભૂમિપૂજન તથા સમારોહમાં હાજરી આપી દિલ્હી જવા સાંજે 5 કલાકે રવાના થશે. જેના પગલે વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીનો કાફલો પણ જોડાયો છે. એરફોર્સથી સમારોહના માર્ગ પરના દબાણો દૂર કરી તેને વ્યવસ્થિત કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર રૂટ પર બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા સાથે સમારોહના સ્થળ ફરતે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જામનગરના આંગણે વડાપ્રધાન સહિતના દેશ-વિદેશના મહાનુભવોનું આગમન થવાનું હોય જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, અન્ય ઉચ્ચ અધિકારીઓએ સમારોહના સ્થળ, રૂટ સહિતનું નિરીક્ષણ કર્યું હતું.
પીએમના સુરક્ષા બંદોબસ્તમાં 7 એસપી, 22 ડીવાયએસપી, 60 પીઆઇ સહિતનો પોલીસ કાફલો રહેશે
દેશના પ્રધાનમંત્રી મંગળવારે જામનગર આવી રહ્યા છે. આથી તેઓની સુરક્ષાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્રારા બંદોબસ્ત સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પીએમના સુરક્ષા બંદોબસ્તમાં 7 એસપી, 22 ડીવાયએસપી, 60 પીઆઇ, 150 પીએસઆઇ, 1000 જેટલા પોલીસના જવાનો સહિતનો પોલીસ કાફલો રહેશે. પીએમના રૂટ અને કાર્યક્રમના સ્થળ પર રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ, પોઇન્ટ પર જવાનો તૈનાત કરવામાં આવશે.
વડાપ્રધાન બપોરનું ભોજન લેશે કે નહીં તે અનિર્ણિત છતાં તંત્રની ભોજન માટે તૈયારી
જામનગરમાં મંગળવારે આયુર્વેદ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન માટે બપોરે 1.20 કલાકે આવી રહ્યા છે. ત્યારે તેઓ જામનગરમાં બપોરનું ભોજન લેશે કે કેમ તે હજુ નકકી નથી. આમ છતાં પીએમના બપોરના ભોજન માટેની તૈયારી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી બપોરે 3 વાગ્યાના બદલે 1.20 કલાકે આવશે
જામનગરમાં આયુર્વેદ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન માટે મંગળવારે વડાપ્રધાન આવી રહ્યા છે. પહેલા તેઓનો બપોરે 3 કલાકે આવવાનો સમય નક્કી થયો હતો. પરંતુ તેમાં ફેરફાર થતાં પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભવો બપોરે 1.20 કલાકે જામનગર આવી પહોંચશે અને સંભવત: 4 કલાક જામનગરમાં રોકાશે.
શહેરના રૂટ પરના માર્ગ પર બંને બાજુ ભાજપના કાર્યકરો ઉભા રહી પીએમનું અભિવાદન કરશે
જામનગરમાં મંગળવારે પીએમ આવી રહ્યા હોય તેઓના રૂટ પર મહકાળી સર્કલથી સમર્પણ સર્કલ સુધી બંને તરફ બેરીગેટ બાંધવામાં આવ્યા છે. જેની બંને તરફ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉભા રહી પ્રધાનમંત્રીનું અભિવાદન કરશે તેમ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જો કે, વડાપ્રધાનના રોડ શો નું કોઇ આયોજન નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.