જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠક પાસે 12 મીટર પહોળો રસ્તો બનાવવા માટેની જમીન પર દબાણ હતું. અનેક નોટિસ આપવા છતાં પણ દબાણ દૂર નહીં કરતાં આખરે આજે મેગા ડિમોલિશન હાથ ધરાયું છે, અને અંદાજે સાડા ચાર લાખ ફૂટ જગ્યા ખૂલ્લી કરાવવામાં આવી રહી છે. આ વેળાએ ભારે ઘર્ષણ થતા પોલીસે ત્રણ વ્યક્તિની અટકાયત કરી હતી, પરંતુ પાછળથી સમાધાન થતાં તમામને મુક્ત કરાયા છે, અને ડીમોલેશનનું કાર્ય હાથ ધરી લેવાયું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાપ્રભુજીની બેઠકથી માર્કેટિંગ યાર્ડ-ચીકુવાડી સુધીના 200 મીટરના લંબાઈ વાળા માર્ગ પર 12 મીટરનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી ચાલી રહીછે. 2004 ની સાલમાં ટીપી ડીપી -2 જાડાની યોજના હેઠળ જુદા જુદા 12 આસામીઓની જગ્યા કે જ્યાંથી રસ્તો કાઢવા માટેની કપાતની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, અને તે અનુસાર આસામીઓને મહાનગરપાલિકા દ્વારા વળતર ચુકવી દેવામાં આવ્યું હતું, પરંતુ તમામ આસામીઓ દ્વારા સાડા ચાર લાખ ફૂટ જેટલી જગ્યા પર દબાણ ચાલુ રાખ્યું હતું અને ત્યાં જગ્યામાં વાવેતર કરવામાં આવી રહ્યું હતું.
આ આસામીઓને જગ્યા ખાલી કરી દેવા અનેક વખત નોટિસ આપવા છતાં પણ જગ્યા ખાલી કરતા ન હતા. જેથી જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. એક પીએસઆઇ તથા અન્ય 20 જેટલા પોલીસ કર્મચારીઓ બદોબસ્ત મેળવાયો હતો. જેના અનુસંધાને ટીપીડીપી શાખા, એસ્ટેટશાખા સહિતની જુદી-જુદી ટુકડી 25 જેટલા શ્રમિકો અને કર્મચારીઓને બે જેસીબી મશીન, અને ચાર ટ્રેક્ટર સાથે ઉપરોક્ત સ્થળે આજે સવારે પહોંચ્યા હતા અને મેગા ડીમોલેશન શરૂ કરાયું હતું.
પ્રારંભમાં સ્થાનિકો સાથે ભારે સંઘર્ષ કરવો પડયો હતો અને બબાલ સર્જાઇ હતી. જેથી પોલીસ તંત્ર દ્વારા ત્રણ સ્થાનિકોની અટકાયત કરાઈ હતી, પરંતુ આખરે સમાધાન થઈ જતાં ત્રણેય વ્યક્તિને મુક્ત કરી દેવામાં આવ્યા છે, અને મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ખુલ્લો કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. એક દિવસમાં 12 મીટરનો રસ્તો પહોળો કરીને ત્રણેક લાખ ફૂટ જેટલી જગ્યા ખાલી કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત ગુલાબનગર પોલીસ ચોકી પાછળથી નીકળતા 20 મીટરના ટી.પી. રોડની જમીન પર 20 જેટલા કાચા-પાકા મકાનોના દબાણ દુર કરવા તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચ્યું હતું પરંતુ દબાણ કારોએ સ્વૈચ્છાએ દબાણ હટાવી લેવા માટે થોડો સમય માંગતા તંત્રએ માનવતાના ધોરણે સમય આપ્યો હતો. આજની કામગીરી એસ્ટેટ શાખાના રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.