જામનગરના સ્વામિનારાયણ નગરમાં દિવાલમાં હોલ બનાવી એમસીબી સ્વીચ અને મીટર સાથે ચેડા કરી નવતર રીતે કરવામાં આવતી વીજચોરીનો પર્દાફાશ થતાં ચકચાર જાગી છે. વીજકંપની અધિકારીઓએ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરીને મીટર ઉતારી વીજજોડાણ કાપી આસામી સામે વીજ અધિનિયમ હેઠળ વીજ ચોરીનો ગુનો નોંધી રૂ.1,08,303 લાખ વીજચોરીનું બિલ ફટકાર્યું છે.
જામનગર પીજીવિસીએલના સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ કચેરીના જુનિયર ઇજનેર એચ.એમ.જોશી તથા ટેકનીકલ સ્ટાફ સંજય કનખરા દ્વારા શુક્રવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત શહેરના સ્વામિનારાયણ નગરમાં રહેતા મધુભાઈના રહેણાક મકાનમાં અધિકારીઓ દ્વારા વીજચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં આસામીએ મેટલ મીટર બોક્સના સીલ સાથે ચેડા કરી ટર્મિનલ બ્લોકના મેઈનમાંથી ફેઇઝ અને ન્યુટ્રલ વાયર મેળવી મીટરની પાછળની બાજુમાં તથા મીટર બોક્સની પાછળ આવેલી દિવાલ હોલ બનાવી તેમાંથી વાયરને કાઢી એમસીબી સ્વીચ સાથે જોડ્યો હતો.
આટલું જ નહીં મીટરના આઉટગોઇંગમાં પણ એક એમસીબી સ્વીચ રાખવામાં આવી હતી. આથી એમસીબી સ્વીચને ચાલુ બંધ કરવાથી મીટરને બાયપાસ કરી વીજચોરી થાય તેવી વ્યસ્થા કરી હતી. પેટા વિભાગના નાયબ ઇજનેર અજય પરમાર અને તેની ટીમ દ્વારા નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરીને મીટર ઉતારી આસામી સામે વીજ અધિનિયમની કલમ હેઠળ વીજ ચોરીનો ગુનો નોંધી રૂ.1,08,303 લાખ વીજચોરીનું બિલ ફટકારવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.