રોષ:‘કલાર્ક ન હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી શકશે નહીં...!’

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જી.જી. હોસ્પિટલમાં 1 મહિનાથી બોર્ડ લાગ્યું

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કલાર્ક ન હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ એટલે કે મૃત્યુ નોંધ મળી શકશે નહીં તેવું બોર્ડ હોસ્પિટલ સત્તાવાળાઓએ છેલ્લા 1 મહિનાથી મારી દેતા દર્દીના પરિવારજનો અને સગા-વ્હાલાઓ હેરાન પરેશાન થઈ ગયા છે. જી.જી. હોસ્પિટલનો વહીવટ થીગડા મારીને ચલાવવામાં આવી રહ્યું છે. આને પુરવાર કરતો દાખલો જી.જી. હોસ્પિટલમાં મળ્યો છે. હોસ્પિટલમાં દરરોજ અનેક લોકો મૃત્યુ પામે છે જેની મૃત્યુ નોંધ અથવા તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ લોકોને અનેક કામો માટે અત્યંત જરૂરી હોય છે.

પરંતુ છેલ્લા એક માસથી રેકોર્ડ રૂમમાં રેકોર્ડ કલાર્ક ન હોવાથી પીએમ રિપોર્ટ આપવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આને જાણ કરતો બોર્ડ પણ ત્યાં લગાવી દેવામાં આવ્યું છે. મૃત્યુ બાદ અનેક સરકારી કામો અને વીમા સહિત બેંક માટે પીએમ રિપોર્ટની જરૂર પડે છે ત્યારે એક કલાર્ક ન હોવાથી કામગીરી ઠપ થવાના આ બનાવથી લોકોમાં રોષ ફેલાયો છે. ઉચ્ચ અધિકારીઓને આ મામલે કાંઈ ખબર જ નથી જે નવાઈની વાત છે.

હું જોવડાવી લઉં છું: સુપ્રિન્ટેન્ડન્ટ
જી.જી. હોસ્પિટલના રેકોર્ડ રૂમમાં કલાર્ક ન હોવાથી પીએમ રિપોર્ટ કાઢવાની કામગીરી બંધ અંગે મને જાણ નથી. હું જોવડાવી દઉં છું. આવું કદાપિ ન ચાલે.> ડો. દીપક તિવારી, સુપ્રિન્ટેન્ડન્ટ, જી.જી. હોસ્પિટલ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...