કૌભાંડી કર્મચારી સામે કાર્યવાહી:ભાટિયા સબ પોસ્ટ ઓફિસરના ચકચારી દોઢ કરોડના ઉચાપત પ્રકરણમાં પોસ્ટ કર્મચારીની ધરપકડ

જામનગર2 મહિનો પહેલા
  • 1.56 કરોડની ઉચાપત બાદ 1.44 કરોડ પરત જમા કરાવી દીધા હોવાનું ખૂલ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલી ભાટિયા ગામની સબ પોસ્ટ ઓફિસમાં દોઢ વર્ષના સમયગાળા દરમિયાન એક કર્મચારી દ્વારા રૂ. 1.56 કરોડની સુવ્યવસ્થિત રીતે કરવામાં આવેલી ઉચાપતનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ અંગેનું સાહિત્ય કબજે કર્યું છે. ઉચાપત કરાયેલી રકમ પૈકી 1.44 કરોડ આરોપી શખ્સ દ્વારા પરત જમા કરાવી દેવામાં આવ્યા છે.

ચકચારી એવા આ પ્રકરણમાં ભાટિયા ખાતે રહેતા અને આ ગામની સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા તારક હેમતભાઈ જાદવ દ્વારા તા. 10-06-2019થી તા. 19-12-2020 સુધીના સમયગાળા દરમિયાન પોતાના અધિકારનો દુરુપયોગ કરી અને તેમની અંડરમાં આવતી 18 પૈકીની 16 બ્રાન્ચના 110 વખત કરવામાં આવેલા ટ્રાન્ઝેકશન મારફતે કોમ્પ્યુટર સોફ્ટવેરમાં એન્ટ્રી કરી, રૂપિયા 1,55,75,000ની રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી. દોઢ વર્ષ દરમિયાનનું આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવતા આ અંગે જામનગરના પોસ્ટ અધિકારી પિનાકીન શાહની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે પોસ્ટ કર્મચારી તારક જાદવ સામે આઈ.પી. સી. કલમ 409 મુજબ ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી હતી.

આ અંગે ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી દ્વારા તપાસ પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા સમગ્ર પ્રકરણ રહેલું કોમ્પ્યુટર રેકર્ડ તથા સાહિત્ય કબજે લેવામાં આવ્યું. છે. વધુમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી રાખ્સ દ્વારા તેની તપાસ દરમિયાન ઉચાપત પૈકીની રૂ.1.44 કરોડની રકમ સરકારમાં પરત જમા કરાવી દેવામાં આવી છે.જયારે સસ્પેન્ડેડ કર્મચારીને આજે સાંજે તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...