ટેન્ડર રદ:જિ.પં.ના 70 લાખના ટેન્ડરમાં એક કંપનીને ફાયદો કરાવવાની પોલ ખૂલી, રિ-ટેન્ડર કરાયું

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિ.પં.ની સામાન્ય સભામાં હોબાળા બાદ તપાસ થઈ
  • બીજા પ્રયાસમાં સાત પાર્ટીએ ટેન્ડર ભર્યા
  • કસૂરવાર અધિકારીઓ સામે પગલાં જરૂરી

જિલ્લા પંચાયત દ્વારા ફ્રેબુઆરી મહીનામાં બહાર પાડવામાં આવેલા  સરકારી શાળામાં બનાવાના રૂ.70 લાખના સ્માર્ટકલાસના ટેન્ડરમાં એક કંપનીને લાભ થાય તે રીતે સ્પેસીફીકેશન કરવાની સ્માર્ટનેસ ભારે પડી છે. કારણ કે જિલ્લા પંચાયતની  સામાન્ય સભામાં આ મામલે હોબાળા મચ્યા બાદની તપાસમાં શિક્ષણ કચેરીએ તૈયાર કરેલા ટેન્ડરના સ્પેશીફીકેશન મીસમેચ હોવાનું ખૂલતાં ડીએલપીસી કમીટીએ સ્માર્ટ કલાસનું ટેન્ડર રદ રી-ટેન્ડર કર્યું છે. પ્રથમ પ્રયાસમાં ફકત ત્રણ જયારે બીજા પ્રયાસમાં સાત પાર્ટીએ ટેન્ડર ભર્યા છે. ત્યારે પ્રથમ ટેન્ડર તૈયાર કરવામાં કસૂરવાર શિક્ષણ કચેરીના અધિકારીઓ સામે પગલાં જરૂરી બન્યા છે. 

સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યના આક્ષેપ બાદ ભોપાળુ બહાર આવ્યું
જામનગર જિલ્લા પંચાયતની 13 માર્ચના મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્ય હેમતભાઇ ખવાએ સ્માર્ટકલાસના રૂમના રૂ.70 લાખના ટેન્ડરમાં એક જ કંપનીને ફાયદો થાય તે રીતે ટેન્ડરની શરતો રખાઈ હોવાનો આક્ષેપ કરી વિરોધ વ્યકત કર્યો હતો. આથી આ મુદે ડીડીઓએ નિયમ વિરૂધ્ધ કાર્યવાહી થઇ હશે તો રી-ટેન્ડર કરાશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ કરાયેલી તપાસમાં ભોપાળું બહાર આવ્યું હતું.

સ્પેશીફીકેશનમાં કોણે કાચું કાપ્યું તે તપાસનો વિષય 
જામનગર જિલ્લા પંચાયતની શિક્ષણ કચેરીએ સ્માર્ટકલાસનું સ્પેશીફીકેશન સાથેનું ટેન્ડર તૈયાર કરી આપ્યું હતું. જેને જિલ્લા પંચાયતની ડીએલપીસી એટલે કે જિલ્લાકક્ષાની ખરીદ  કમીટીએ  મંજૂર કરાયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તો પ્રથમ ટેન્ડર તૈયાર થયું તેના સ્પેશીફીકેશનમાં ઈરાદાપૂર્વક એક જ કંપનીને ફાયદો થાય તે રીતે માપદંડો નક્કી કરી શિક્ષણ કચેરીના  કે અન્ય કોઇ અધિકારીઓએ કાચું કાપ્યું તે તપાસનો વિષય બન્યો છે.

નવા ટેન્ડરમાં ટેકનીકલ બીડ ખૂલ્યા, નાણાંકીય બાકી
જામનગર જિલ્લા પંચાયતમાં ફેબ્રુઆરી મહિનામાં રૂા.70 લાખનું સ્માર્ટ કલાસનું ટેન્ડર સ્પેશીફીકેશન મીસમેચ થવાને કારણે રદ કરવામાં આવ્યું હતું. બાદમાં ડીએલપીસી કમિટિ દ્વારા માર્ચમાં સ્માર્ટ કલાસનું ટેન્ડર રી-ટેન્ડર કરવામાં આવ્યું છે. પ્રથમ ટેન્ડરમાં 3, જ્યારે રિ-ટેન્ડર બાદ 7 પાર્ટીએ ટેન્ડર ભર્યું છે. નવેસરથી થયેલા ટેન્ડરમાં  ટેકનીકલ બીડ ખૂલ્યા છે. પરંતુ ત્યારબાદ લોકડાઉન થતાં ટેન્ડરના નાણાંકીય બીડ ખૂલવાના બાકી છે. જે આગામી દિવસોમાં ખૂલશે.

ઓછી અને એક કંપનીને ફાયદો થાય તેવા સ્પેશીફિકેશનના કારણે ટેન્ડર રદ્દ થયું
સ્માર્ટ કલાસના પ્રથમ ટેન્ડરમાં ઓછી કંપની ટેન્ડર ભરી શકે અને એક જ કંપનીને ફાયદો થાય તેવા સ્પેશીફીકેશન રાખવામાં આવ્યાનું તપાસમાં ખૂલતા  ટેન્ડર રદ કરી રી-ટેન્ડર કરવામાં આવ્યું છે. રિ-ટેન્ડરમાં અગાઉના સ્પેશીફિકેશનમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને કોમન સ્પેશીફીકેશન રાખવામાં આવતા 7 પાર્ટીએ ટેન્ડર ભર્યું છે. - ડો.વીપીન ગર્ગ, જામનગર જિલ્લા વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...