ખંભાળિયા શહેર નજીક ગત સપ્તાહમાં એક પોલીસ કર્મી દ્વારા ગફલતભરી રીતે કાર ચલાવી, અકસ્માત સર્જતા તેમજ તેમની મોટરકારમાંથી વિદેશી દારૂની બાટલી મળી આવતા જિલ્લા પોલીસવડાએ તેને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.
ખંભાળિયાથી આશરે પાંચ કિલોમીટર દૂર ભાણવડ માર્ગ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે એક ઇક્કો મોટરકાર સાથે ગફલતભરી રીતે જીવલેણ અકસ્માત સર્જાતા પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હસમુખ હીરાભાઈ પારઘી સામે જે-તે સમયે ગુનો નોંધવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સ્થળ તપાસ દરમિયાન પોલીસને ઉપરોક્ત હેડ કોન્સ્ટેબલની કારમાંથી વિદેશી દારૂની એક બોટલ પણ મળી આવી હતી.
આ વચ્ચે ઉલ્લેખનીય છે કે આ જીવલેણ અકસ્માતમાં ખુદ આ પોલીસકર્મી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આ બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી, આ સમગ્ર પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ આકરું વલણ દાખવી હેડ ક્વાર્ટરના પોલીસ હેડ કોન્સ્ટેબલ હસમુખ પારઘીને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.