ભાસ્કર એક્સક્લૂઝિવ:જામનગરમાં દારૂના ત્રણ અડ્ડા પોલીસ સંચાલિત, ત્રણ પોલીસકર્મીની ટ્રાન્સફર; PSI સામે તપાસનો આદેશ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હુકમ : 3 પોલીસ કોન્સ્ટેબલને રાતોરાત હેડકવાર્ટરમાં મૂકી દેવાયા - Divya Bhaskar
હુકમ : 3 પોલીસ કોન્સ્ટેબલને રાતોરાત હેડકવાર્ટરમાં મૂકી દેવાયા
  • પડાણા, જોગવડ, ગાગવાધારમાં એલસીબી ત્રાટકી તો ભાંડો ફૂટ્યો..

જામનગર નજીક મેઘપર પોલીસ સ્ટેશનના તાબે આવેલા 3 ગામોમાં એલસીબીએ દેશી દારૂનો દરોડો પાડી વિશાળ જથ્થામાં દેશી દારૂ પકડી પાડતા આ દારૂની ભઠ્ઠીઓ તેમજ ધંધો સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતો હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસવડા ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસમેનોને હેડ કવાર્ટર ખાતે બદલી કરી નાખવામાં આવી હતી. જ્યારે મેઘપર-પડાણાના પીએસઆઈ સામે તાત્કાલિક ઈન્કવાયરી કરવામાં આવી રહી છે.

જામનગર નજીકના મેઘપર-પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કોઈ નવી વાત નથી, પરંતુ તેમાં પોલીસની મીલીભગત અને રહેમરાહ હોય તેવું ઓછું બનતું હોય છે. દરમિયાન બે દિવસ પહેલા જામનગરની એલસીબીએ મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના તાબેના પડાણા, જોગવડ અને ગાગવાધારમાં દેશી દારૂના દરોડા પાડ્યા હતા જેમાંથી તેમને એક ચાલુ ભઠ્ઠી તેમજ 90 લીટર, 150 લીટર વગેરે દેશી દારૂ મળી આવ્યો હતો.

આ પ્રકરણની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ તમામ દેશી દારૂના ધંધા સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા હતા. જેનાથી એસપીને અવગત કરાતા ઈન્ચાર્જ એસપી નીતિશ પાંડે ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક મેઘપર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજા, જયરાજસિંહ દિલીપસિંહ ઝાલા અને વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી બદલીને હેડ કવાર્ટર ખાતે મૂકી દેવાનો હુકમ કરી આ પ્રકરણમાં પીએસઆઈ કે.આર. સીસોદિયા સામે ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે. જેનો રિપોર્ટ આવ્યે તેની સામે પણ ગંભીર પગલાં તોળાઈ રહ્યા છે. જિલ્લા પોલીસવડાના આકરા વલણથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેની ચર્ચા તમામ પોલીસ સ્ટેશનોમાં થઈ રહી છે.

આ તંત્રની આંતરીક બાબત છે: ઈન્ચાર્જ એસપી
મેઘપર પોલીસ સ્ટેશન તાબાના ગામોમાં કરાયેલા દેશી દારૂના દરોડા અને 3 પોલીસ કર્મચારીઓની કરવામાં આવેલી બદલી એ પોલીસ તંત્રની એક આંતરીક બાબત છે, આના વિશે કંઈ કમેન્ટ કરી શકાય નહીં, બાકી બદલીઓ તો ખાતામાં થતી રહે છે અને ઈન્ક્વાયરી પણ ખાતાની આંતરીક બાબત છે.> નીતિશ પાંડે, ઈન્ચાર્જ એસપી, જામનગર.

મેઘપર-પડાણાની બૂમ ગાંધીનગર સુધી પહોંચી છે
મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનની આસપાસના ગામો અને વિસ્તારોમાં દેશી દારૂ એક મોટું દૂષણ બની ગયું છે. અહીં મજૂરોની સંખ્યા વધુ હોવાથી દેશી દારૂનું ચલણ ખૂબજ વધ્યું છે. અગાઉ પણ અહીં દારૂ બાબતે છેક ગાંધીનગર સુધી રજૂઆતો થઈ છે. તેમજ ભૂતકાળમાં આ અંગે અનેક અરજીઓ અને ફરિયાદો થઈ છે, પરંતુ આ વિસ્તારમાંથી દેશી દારૂનું દૂષણ નાબૂદ થવાનું નામ લેતું નથી.

અન્ય સમાચારો પણ છે...