કાર્યવાહી:ગોડસેની પ્રતિમા તોડાતા કોંગ્રેસ પ્રમુખના ઘરે પોલીસ રક્ષણ, બન્ને પક્ષના 7ની અટકાયત

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિગુભાના ઘરે ખોડિયાર કોલોનીમાં પોલીસ ગોઠવાઇ - Divya Bhaskar
દિગુભાના ઘરે ખોડિયાર કોલોનીમાં પોલીસ ગોઠવાઇ
  • હિન્દુ સેનાના 5 અને કોંગ્રેસના 2 કાર્યકરોની પોલીસે અટક કરી

જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત થઈ તેની 24 કલાકના અંદર જ કોંગ્રેસ દ્વારા તેને તોડી નંખાતા રાજકીય ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી બંને પક્ષે હિન્દુ સેનાના 5 અને કોંગ્રેસના પ્રમુખ અને કોર્પોરેટર સહિત 2ની અટક કરી છે. હિન્દુ સેના અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઇ તે અગાઉ અગમચેતીના ભાગરૂપે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાના ખોડિયાર કોલોની સ્થિત રહેણાંક મકાન પર અને કોર્પોરેટર ધવલ નંદાના ઘર પર પોલીસ પ્રોટેકશન મુકી દેવામાં આવ્યું હતું.

જામનગર-મોરકંડા રોડ પર આવેલા આશ્રમમાં નથુરામ ગોડસેની પ્રતિમા હિન્દુ સેનાએ સ્થાપિત કર્યા બાદ મંગળવારે સવારે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેટર ધવલ નંદાએ તેને તોડી પાડી હતી. આ અંગે હિન્દુ સેના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી તો સામા પક્ષે કોંગ્રેસે પણ લોકો વચ્ચે વિખવાદ ફેલાવવા અને મંજૂરી વગર પ્રતિમા મૂકવા અંગે પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી મોડીસાંજે હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ, ધીરેન નંદા, ભાવેશ ઠુમ્મર, રામરાજા મદ્રાસી અને મયુર દેસાઈની અટક કરી હતી. સામા પક્ષે કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા અને કોર્પોરેટર ધવલ નંદાની અટક કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હિન્દુ સેનાએ સ્થાપિત કરેલી ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા કોંગ્રેસી કાર્યકરોએ તોડી નાખી હોવાનો મામલો પોલીસ ચોપડે ચડતા ઉચ્ચાધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...